પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

તન થી ભલે હારી જઈએ પણ મન થી મજબુત રહીએ” એ આજના યુવાનો માટેની જીવન જીવવાની પરિભાષા છે.આદિ-અનાદિ કાળથી ચાલી આવતા અત્યાચારો આભડછેટ એ જાણે આજે આજકાલના રાજનેતાઓનો મુખ્ય મુદ્દો બની ગયો છે. અને એમની રાજનીતિનો ભોગ આપણાં આદિવાસી સમાજના યુવાનો બની રહ્યા છે યેનકેન પ્રકારે યુવાનોને ભ્રમિત કરવામાં આવે છે. વર્તમાન સમયમાં યુવાનોની પરિસ્થિતી ખૂબ જ ચિંતાજનક છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સમાજનો યુવાન વિડંબણાથી ઘેરાઈ ગયો છે કે કરવું શું? આ અન્યાય સામે લડવું કઈ રીતે પોતાના મુલભૂત અધિકારો મેળવવા કઈ રીતે ?

પોતાની જાતને આ મુશ્કેલીઓમાંથી કઈ રીતે ઉજાગર કરવી એ આજનો મૂળ પ્રશ્ન ઉદ્ભવ થયો છે. એના માટેનું મુખ્ય કારણ એ છે કે સમજશક્તિનો અભાવ અને સંસ્કૃતિ વિશેનું પૂરતું જ્ઞાન નથી. આપણી સંસ્કૃતિ શું છે ? તેનું મહત્વ શું છે ? કેમ સંસ્કૃતિનું જ્ઞાન જરૂરી છે. વગેરે મુદ્દાઓથી આજનો યુવાન ઘેરાયેલો છે. આદિવાસી સમાજ એક આવો સમાજ છે. જે આદિ કાળથી પોતાની સંકૃતિનું જતન, ચિંતન,અને મનન કરતો આવ્યો છે.

આદિવાસી સમાજ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. પછી એ પહેરવેશ હોય કે ભાષા હોય કે પછી રિતિ-રિવાજ, તહેવાર હોય બધી જ બાબતમાં આદિવાસી સમાજ બીજા સમાજની સરખામણીમાં અગ્રેસર છે. તો આપણી પાસે પ્રશ્ન એ છે કે જો આદિવાસી સમાજ આપેલી બધી જ બાબતોને અનુસરતો હતો તો પછી વર્તમાન સમયમાં આજનો યુવાન પોતાની આદિવાસીની ઓળખ બાબતે કેમ શરમ અને સંકોચ અનુભવે છે ?

ખાસ કરીને વર્તમાન સમયમાં ૨૧મી સદીના વ્યસ્ત જીવનમાં બાહરની દુનિયાથી અંજાઈને આપણી મૂળભૂત છબીને  નેશનાબુદ કરી રહ્યા છે. પણ યુવાનોને એ બાબતનું ધ્યાન રાખવું પડશે કે એ જ સંસ્કૃતિના કારણે આપણે આપણી આદિવાસીની ઓળખ ધરાવીએ છીએ અને એ જ કારણે સમાજના યુવાનોને અનામતના લાભ મળવા પાત્ર છે.

ગુજરાત રાજ્યમાં હજી સુધી જાતિના પ્રમાણ પત્ર મેળવવા બાબતે એફિનિટી ટેસ્ટ આપવા માટેનું પ્રવિધાન નથી પણ આપણા જ પાડોશી રાજ્ય એવા મહારાષ્ટ્રમાં આ ટેસ્ટ ફરજિયાત છે. અને આ ટેસ્ટમાં સંસ્કૃતિ અને આદિવાસી સમાજને સુસંગત બધી જ બાબતોનું જ્ઞાનને આધારે જાતિનું પ્રમાણ પત્ર આપવામાં આવે છે. એ સમય હવે દૂર નથી કે હવે ગુજરાતમાં પણ એફિનિટી ટેસ્ટનું પ્રવિધાન આવશે.

વર્તમાન સમયમાં એક જ ભય સતાવી રહ્યો છે. યુવાનો સમાજનું અસ્તિત્વ, રીતિ-રિવાજ સંસ્કૃતિને ટકાવી રાખવા કયા પગલાં ભરી શકે. એના માટેનો ઉપાય એક જ છે આદિવાસી યુવાનને પોતાના મૂળ પ્રવાહમાં પાછા લાવવા અને એ ત્યારે જ શક્ય છે. જયારે યુવાન સમાજ વિષેની નાના માં નાની માહિતી જાણતો હોય. જો આ બાબત ગંભીરતાથી લઈએ તો આવનારી પેઢી માટે ભવિષ્યમાં આવનાર બધી જ મુશ્કેલીઓનો સામનો કરી શકે અને ન્યાયની લડત ચાલવી શકે એવા સક્ષમ યુવાનો તૈયાર થઈ શકે અને સમાજની આગેવાની લઈને સમાજના હિત માટે કાર્ય નિસ્વાર્થ ભાવે કરી શકે. અને કેટલાક યુવાનો આ જ કાર્ય ખૂબ જ મહેનત અને નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. પણ આપણા જ સમાજના કેટલાક લોકો આર્ટીકલ ૨૫ નું જ્ઞાન આપીને યુવાનોના કાર્યમાં અવરોધ ઊભો કરવાનું કાર્ય કરે  છે.

સંવિધાનમાં રહેલા આર્ટીકલ ૨૫માં એવું કહેલું છે. કોઈ પણ વ્યક્તિ વિશેષ પોતાનો ધર્મને અનુસરવા માટે સ્વ્તંત્ર છે. એના ઉપર કોઈ પણ દબાણ પૂર્વક કોઈ પણ ધર્મ કે જાતિને દબાવી ન શકીએ અને એમાં એમ પણ કહેલું છે કે કોઈ પણ ટ્રસ્ટ કે સરકારી સંસ્થા દબાણ પૂર્વક કોઈ પણ ધાર્મિક બાબત અનુસરવા દબાણ ન કરી શકે. પરંતુ યેનકેન પ્રકારે આદિવાસી સમાજના અસ્તિત્વ અને ઓળખના ભોગે ધાર્મિક સ્વતંત્રતાનો ગેરલાભ ઉઠાવે એ પણ સ્વીકારી શકાય એમ નથી. અને એ આપણા સમાજની કડવી વાસ્તવિકતા છે.

આદિવાસી સમાજ ફક્તને ફક્ત પ્રકૃતિ પૂજક હતો છે અને રહેશે પણ દુખ: દ બાબત છે કે કેટલાક ગામડાઓમાં આપડી સંસ્કૃતિ નામશેષ થઈ ચૂકી છે અથવા નામશેષ થવા આવી છે. સમાજ પોતાનું અસ્તિત્વ ગુવામી રહ્યો છે. અને મારી અને સમાજના યુવાનોની નૈતિક જાવાબદારી છે કે આ બાબત ગંભીરતાથી લઈએ. અને આ મુદ્દો ફક્ત કોઈ એક જિલ્લા કે પ્રદેશનો નથી પણ સમગ્ર ગુજરાતમાં વસતા આદિવાસી સમાજનો છે. જે આપણે ગંભીરતાથી લેવો જોઈએ.

તેથી મારા વ્યક્તિગત મંતવ્ય પ્રમાણે આજથી મારા સમાજના યુવાનો જાગો અને સમાજના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પ્રતિબધ્ધ થાઓ અને આદિવાસી સમાજનું ગૌરવ અને ગરીમાનું જતન કરવા માટેનો આજ થી જ આરંભ કરો કહ્યું છે ને કે જાગ્યા ત્યાંથી સવાર માટે એક નવી સવાર સૂર્યના નવા કિરણની જેમ સમાજના યુવાનોની આતુરતાથી રાહ જોઈને ઊભી છે.

BY  પ્રો. વિનોદકુમાર બી.રાઠવા

મો-૯૪૨૯૫૩૮૯૭૬

ઇ-મેઈલ- vinurathava100@gmail.com