ગાંધીનગર: થોડા સમયમાં ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત 15મી જાન્યુઆરીની આસપાસ થવાની શક્યતાઓ દેખાય રહી છે. પરંતુ આ જાહેરાત પહેલા ચૂંટણી પંચ દ્વારા ગૃહ વિભાગ આરોગ્ય વિભાગ સાથે પરામર્શ બેઠક થશે અને કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરીને તે દિશામાં ચૂંટણી આયોજિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તારીખ સ્વરાજ્યની ચૂંટણીઓની વિધિવત જાહેરાત પહેલા આગામી સપ્તાહમાં અલગ-અલગ વિભાગો સાથે સમીક્ષા બેઠક પણ કરશે અને સમીક્ષા બેઠકના અંતે કરેલા નિર્ણયો અનુસાર ચૂંટણી યોજવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની કામગીરી અંતર્ગત ચૂંટણીપંચ દ્વારા તેને લગતી તૈયારીઓ અંતિમ તબક્કામાં પ્રવેશ થઇ ચુક્યો છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાય તેવી પ્રબળ શક્યતાઓ પણ સૂત્રો દ્વારા થવાની શક્યતા છે. એમ જોઈએ તો પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે ત્યારબાદ બીજા તબક્કામાં જિલ્લા અને તાલુકા પંચાયતોનો સમાવેશ કરવામાં આવે તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ ચૂંટણી પ્રક્રિયા પર ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂર્ણ કરી દેવાનું આયોજન ચૂંટણીપંચની વિચારણા હેઠળ છે ત્યારે તે દિશામાં ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મળેલી માહિતી પ્રમાણે આવતીકાલે મતદાર યાદી સુધારણાની પ્રાથમિક પ્રસિદ્ધિ થશે ત્યારબાદ મતદાન મથકો અંગેની દરખાસ્તો અને તેને મંજૂર કરવાની કામગીરી હાથ પર લેવાશે જે 10 જાન્યુઆરી સુધીમાં આટોપી લેવા માટે ચૂંટણીપંચ દ્વારા ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વિષે વાત કરીએ તો તે સંપૂર્ણ નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્વારા જરૂરી તમામ પગલાઓ લેવામાં આવશે આ ઉપરાંત મતદાન મથક દિઠ ખર્ચની મર્યાદામાં વધારો કરવા ઉપરાંત ઉમેદવારોના ખર્ચની મર્યાદા વધારવા સહીત બીજી કેટલીક બાબતો પણ ચૂંટણી પંચની સક્રિય વિચારણામાં હોવાનું સૂત્રો દ્વાર ચર્ચા થઇ રહી છે. અને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓની જાહેરાત પહેલા તમામ રાજકીય પક્ષોના આગેવાનો સાથે વધુ એક પરામર્શ બેઠક પણ આયોજિત કરશે અને આ માટે ચૂંટણીપંચ દ્વારા એક કોર ગ્રુપ બનાવીને રાજ્યના જિલ્લા વહીવટી તંત્રોને સુચના પણ આપી દેવામાં આવી છે.