ભારતમાં કોરોના વાયરસના નવા પ્રકારની એન્ટ્રી થતાં સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર લાગેલા પ્રતિબંધને 31 જાન્યુઆરી 2021 સુધી વધારી દીધો છે. આ પ્રતિબંધ સ્પેશ્યલ ફ્લાઇટ્સ અને ઇન્ટરનેશનલ એર કાર્ગો પરિચાલન પર લાગુ થશે નહીં. વિમાન નિયામક ડીજીસીએ બુધવારે આ જાણકારી આપી છે. ડીજીસીએ કહ્યું કે મામલા દર મામલાના આધારે સક્ષમ પ્રાધિકારી ખાસ માર્ગો માટે ઉડાનોની મંજૂરી આપી શકે છે.

કોરોના વાયરસ મહામારીના કારણે 23 માર્ચથી નિયમિત આંતરરાષ્ટ્રીય યાત્રી વિમાન સેવા સ્થગિત છે. જોકે વંદે ભારત અભિયાન અને એર બબલ વ્યવસ્થા અંતર્ગત મે થી કેટલાક નિશ્ચિત દેશો માટે વિશેષ આંતરરાષ્ટ્રીય ઉડાનોના સંચાલનની પરમિશન છે. ભારતે અમેરિકા, બ્રિટન, સાઉદી અરબ, કેન્યા, ભૂટાન અને ફ્રાન્સ સહિત 24 દેશો સાથે એર બબલ સમજુતી કરી છે. ડીજીસીએએ એમ પણ કહ્યું કે આની માલવાહક વિમાનોના સંચાલન પર અસર પડશે નહીં.

ઉડ્ડયન મંત્રાલયે બુધવારે બ્રિટનમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસના સ્ટ્રેનના કારણે બ્રિટનની ફ્લાઇટ્સ પર લગાવેલો અસ્થાયી પ્રતિબંધ 7 જાન્યુઆરી 2021 સુધી વધારી દીધો છે. આ પહેલા કેન્દ્ર સરકારે વિભિન્ન ગતિવિધિઓ પર કોવિડ-19 સાથે જોડાયેલ પ્રતિબંધોને યથાવત્ રાખતા દેશમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો આવી રહ્યો છે.