કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 26માં દિવસે પણ ચાલુ છે અને આજથી પ્રદર્શનકારી ખેડૂતો ભૂખ હડતાળ કરવાના છે. આ સાથે જ ભારતીય ખેડૂત યુનિયને આંદોલનના સમર્થનમાં હરિયાણાના તમામ ટોલનાકાને 25, 26, અને 27 ડિસેમ્બરે ફ્રી કરવાનો નિર્ણય લીધો છે.
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આજથી ભૂખ હડતાળની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તમામ પ્રદર્શન સ્થળો પર 24 કલાકની ભૂખ હડતાળ શરૂ કરવા જઈ રહ્યા છે અને દરેક પ્રદર્શન સ્થળ પર 11-11 ખેડૂતો રોજ ઉપવાસ કરશે. આ સાથે જ તમામ ખેડૂત સંગઠનોએ લોકોને 23 ડિસેમ્બરના રોજ ખેડૂત દિવસના અવસરે એક ટંકનું ભોજન ન કરવાની અપીલ પણ કરી છે. જયારે ખેડૂતોએ જાહેરાત કરી છે કે તેઓ 27 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ વખતે વાસણ વગાડશે. ભારતીય કિસાન યુનિયનના નેતા જગજીત સિંહ દલેવાલાએ કહ્યું કે અમે બધાને અપીલ કરીએ છીએ કે જ્યાં સુધી પીએમ મોદીનું દેશના નામે સંબોધન ચાલે ત્યાં સુધી બધા લોકો થાળી વગાડે.
નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત સંગઠનો વચ્ચે અનેક સંગઠનો એવા પણ છે જે સતત આ કાયદાનું સમર્થન કરી રહ્યા છે. રવિવારે મેરઠના હિન્દ મજદૂર કિસાન સમિતિ સાથે જોડાયેલા ખેડૂતોએ મેરઠથી ગાઝિયાબાદ સુધી ટ્રેક્ટર રેલી કાઢી. ત્યારબાદ આ ખેડૂતોએ દિલ્હી પહોંચીને કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી અને ત્રણ કૃષિ કાયદાના સમર્થનમાં આવેદન આપ્યું. આવેદન સોંપતા સમિતિના ખેડૂતોએ કહ્યું કે આ કાયદો ખેડૂતોને વધુ મજબૂત કરશે. કૃષિ કાયદાના સમર્થન સાથે જ આ ખેડૂતોએ કૃષિમંત્રીને ખેડૂતો માટે ટ્યૂબવેલ મફત કરાવવાની પણ વાત કરી.
ખેડૂત આંદોલનને વિદેશી ફંડ મળવાની વાતને લઈને આંદોલનમાં સામેલ સંગઠનોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠનમાંથી એક ભારતીય કિસાન યુનિયન ઉગ્રાહને કેન્દ્ર સરકાર દ્વારા સંગઠનના રજિસ્ટ્રેશનની જાણકારી માંગવા પર નારાજગી વ્યક્ત કરી છે. અધ્યક્ષ જોગિન્દર ઉગરાન અને તેના મહાસચિવ સુખદેવ સિંહે કહ્યું કે કેન્દ્ર તમામ રણનીતિનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે તેમનો એકમાત્ર હેતુ આંદોલનને હરાવવાનો છે.
કિસાન એક્તા ઉગ્રાહનના અધ્યક્ષે જણાવ્યું હતું કે તેમને પંજાબમાં તેમના બેન્ક દ્વારા એક ઈમેઈલ મોકલવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે તેમણે વિદેશથી ફંડ મેળવવા માટે પોતાના સંગઠનના રજિસ્ટ્રેશનની જાણકારી આપવી પડશે. તેમનો આરોપ હતો કે કેન્દ્ર સરકાર ખેડૂતોના આંદોલનને અસફળ બનાવવા માટે વિધ્નો પેદા કરી રહ્યા છે.