ગઈકાલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ પક્ષમાં બળવા સહિતની સ્થિતિની સમિક્ષા માટે વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે દોઢ વર્ષે ફરી રાહુલ ગાંધીની જ તાજપોશી કરવા સંમતિ અપાઈ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

સોનિયા ગાંધીના નિવાસ સ્થાન ૧૦ જનપથ પર લગભગ પાંચ કલાક ચાલેલી બેઠકમાં પક્ષના ૨૦ વરિષ્ઠ નેતાઓ હાજર હતા. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પછી પ્રમુખપદેથી રાહુલ ગાંધીએ રાજીનામુ આપ્યાના દોઢ વર્ષે ફરી પાછા રાહુલ ગાંધીને જ પ્રમુખ બનાવવા માટે આ બેઠકમાં ચર્ચા થઈ હતી. રાહુલ ગાંધીએ પણ પક્ષ જે જવાબદારી આપે તે નિભાવવા તૈયારી દર્શાવી હતી.

આ બેઠકમાં દેશભરમાં બધા જ સ્તર પર પક્ષને મજબૂત કરવા માટે પંચમઢી અને શિમલા શિબિર જેવા સંમેલનો યોજવાનો નિર્ણય લેવાયો હતો. દેશમાં કોંગ્રેસની કથળતી સ્થિતિ અંગે ૨૩ વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખી નેતૃત્વ સામે ઉઠાવેલા સવાલ પછી સૌપ્રથમ વખત આવી બેઠક મળી હતી. કોંગ્રેસમાં કોઈ અસંતુષ્ટ નથી અને બળવા જેવી કોઈ સ્થિતિ નથી. રાહુલ ગાંધીના નેતૃત્વ સામે કોઈને વાંધો નથી તેમ વરિષ્ઠ નેતા પવન બંસલે જણાવ્યું હતું. કોરોના મહામારી વચ્ચે સૌપ્રથમ વખત સોનિયા ગાંધી પક્ષના નેતાઓને રૂબરૂ મળ્યા હતા.

કાલની બેઠકમાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, પૃથ્વીરાજ ચવાણ, મનિષ તિવારી, શશી થરુર સહિતના અસંતુષ્ટ નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં અસંતુષ્ટ નેતાઓએ રાહુલ ગાંધીને ફરીથી પક્ષપ્રમુખ બનાવવા જણાવ્યું હતું. આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે પક્ષ તેમને જે જવાબદારી આપશે તે નિભાવવા તેઓ તૈયાર છે. તેમણે કહ્યું કે ચૂંટણી જ નક્કી કરશે કે નેતા કોણ હશે. કોંગ્રેસમાં જાન્યુઆરીમાં પક્ષપ્રમુખની ચૂંટણી થવાની સંભાવના છે.

આ બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરી રાહુલ ગાંધીની જ તાજપોશી કરવાના નિર્ણયનો કોંગ્રેસના કાર્યકર્તા અને દેશની જનતા પર કેવો પ્રભાવ પડશે એ આવનારો સમય જ બતાવશે.