ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહનો આજે જન્મદિવસ છે, પરંતુ આ વખતે તે પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો નથી. 12 ડિસેમ્બર 2020 ના 39 વર્ષના થયેલા યુવરાજે કિસાન આંદોલનને કારણે પોતાના જન્મદિવસની ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો છે આ જાણકારી તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાના પ્રશંસકોને આપી અને કહ્યુ કે, તે કિસાન અને સરકાર વચ્ચે વાતચીત થતી જોવાનું પસંદ કરશે.

યુવરાજ સિંહે પોતાના ટ્વીટમાં એક નોટ શેર કરી છે. આ નોટમાં લખ્યુ છે, ‘આ વર્ષે હું પોતાનો જન્મદિવસ ઉજવવાના સ્થાને, અમારા કિસાનો અને સરકાર વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં જલદી સમાધાન માટે પ્રાર્થના કરી રહ્યો છું. આપણા કિસાન આપણા રાષ્ટ્રની જીવન રેખા છે. મારૂ માનવું છે કે એવી કોઈ સમસ્યા નથી જેને શાંતિપૂર્ણ વાતચીતથી હલ ન કરી શકાય.’ આ સિવાય યુવરાજ સિંહ પોતાના પિતા યોગરાજ સિંહ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી પણ ખુશ નથી.

તેણે આગળ લખ્યું છે, ‘હું આ મહાન દેશનો પુત્ર છું અને મારા માટે તેનાથી વધુ ગર્વની કોઈ વાત નથી. હું સ્પષ્ટ કરવા ઈચ્છુ છું કે મારા પિતા શ્રી યોગરાજ સિંહ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી એક વ્યક્તિગત ક્ષમતાથી કરવામાં આવી છે. મારી વિચારધારા કોઈ પણ રીતે તેમના વિચારથી સહમત નથી. હું બધાને આગ્રહ કરુ છું કે કોવિડ-19 વિરુદ્ધ સાવધાની રાખો. મહામારી સમાપ્ત થઈ નથી અને આપણે આ રીતે વાયરસને હરાવવા સાવચેતી રાખવાની જરૂરી છે. જય જવાન, જય કિસાન, જય હિંદ.’

12 ડિસેમ્બર 1981ના ચંડીગઢમાં જન્મેલા યુવરાજ સિંહે દેશ માટે 350 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે 304 વનડે, 40 ટેસ્ટ અને 58 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ છે. ત્યારબાદ યુવરાજએ ક્રિકેટને અલવિદા કહ્યુ હતું.