કપરાડા: કપરાડા તાલુકાના સુખલબારી મુખ્ય રસ્તાથી દહીંખેડ પટેલપાડા તરફ જતો રસ્તો અત્યંત ખરાબ હાલાતમાં હોવાથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. રસ્તા પરની મેટલ ઉખડીને બહાર આવી ગઈ હોય અવારનવાર બાઈક સવારો સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે. આ રસ્તો વર્ષો પેહલા બનાવવામાં આવ્યો હતો પરંતુ ચોમાસા દરમિયાન ડામર ધોવાઈ જતા, હાલે આ રસ્તો માત્ર મેટલ પાથરી હોઈ એવી સ્થિતિમાં નજરે પડે છે, તો ક્યાંક ડામરનો એક ટુકડો પણ જોવા મળતો નથી, જેથી લોકો અને વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે, બહાર નીકળી આવેલ મેટલ વાહન ચાલકોઓ માટે મુશ્કેલી ઉભી કરે છે.

જાણવા મળ્યું છે કે આ રસ્તાને જોડતા ગ્રામ્ય વિસ્તારમાં કોઈ વિકટ પરિસ્થિતિ, ઈમરજન્સી સેવા જેમ કે ૧૦૮ જેવી સુવિધા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. રસ્તો અત્યંત બિસમાર છે જેના કારણે આવી ઈમરજન્સી સુવિધા સમય સર ન મળતા મુશ્કેલીમાં મુકાય છે.

ઉલ્લેખનીય છે કે, આ રસ્તો ઢાળવાળો  હોવાના કારણે લોકોને અવર જવર માટે ઘણી તકલીફ પડી રહી છે, ઘણી વાર સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે આવા બનાવ ના બને જેથી વહેલી તકે આ રસ્તાનું ડામર કામ થાય એવી લોક માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ લોક માંગ પર ધ્યાન આપશે કે નહિ.

BY બિપીન રાઉત