માહિતી બ્‍યૂરો વલસાડ તરફથી મળતી માહિતી મુજબ તાજેતરમાં જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, તાલુકા મામલતદાર અને નાયબ મામલતદાર પુરવઠા વિભાગ સાથે બેઠક યોજી જિલ્લામાં કાળા બજાર કરતા તત્‍વોને નષ્ટ કરવા માટે સખત ચેકિંગ હાથ ધરવા સ્‍પષ્‍ટ સુચના આપવામાં આવી હતી.

આ સંદર્ભમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી વી.સી.બાગુલ, કપરાડા મામલતદારશ્રી કે.એસ. સુવેરાની ટીમે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જોગવેલ ખજૂર ફળિયામાં આવેલી જોગવેલ ફલોર એન્‍ડ રાઇસ મીલની જિલ્લા પુરવઠા અધિકારી અને કપરાડા મામલતદાર દ્વારા કરાયેલી આકસ્‍મિક ચકાસણીમાં ફલોર મીલમાં રાખવામાં આવેલા ઘઉં, ચોખા તથા ટ્રક નં. એમ. એચ.-૦૪-ઇએલ-૦૫૦૪માં ભરવામાં આવેલા ઘઉંના જથ્‍થા બાબતે ફલોર મીલના માલિક દ્વારા સંતોષકારક ખુલાસો કરાયો ન હતો.

આ જથ્‍થાની પ્રાથમિક ચકાસણી કરતાં તે સરકારી હોવાનું જણાતાં ઘઉં ૮૭,૨૦૦ કિલો કિંમત રૂ. ૧૩.૯૫ લાખ, ચોખા ૭, ૯૫૦ કિલો કિંમત રૂ ૧.૩૫ લાખ અને ટ્રક નંબર એમ. એચ. -૦૪-ઇએલ-૦૫૦૪ની કિંમત રૂ ૪.૭૫ લાખ મળી કુલ રૂ ૨૦. ૦૫ લાખનો જથ્‍થો સીઝ કરવામાં આવ્‍યો હતો. આ અંગે તપાસની આગળની નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભવિષ્‍યમાં આવા કાળાબજાર કરવાવાળા તત્ત્વોને જેર કરવા તપાસની ઝુંબેશ ચાલુ રહેશે  એવો નિર્ણય કરવાનું જિલ્લા કલેકટરશ્રી રાવલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.