કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોના પ્રદર્શનનો આજે ૯ મો દિવસ છે. સરકારની સાથે શનિવારે થનારી બેઠક પહેલાં ખેડૂતોએ આજે ૮ ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે હવે દિલ્હીના અન્ય રસ્તાઓ પણ બ્લોક કરીશું. ખેડૂતોની મીટિંગ પછી તેમના નેતા હરવિંદરસિંહ લખવાલ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

આ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. અરજકર્તાએ કહ્યું કે ખેડૂતોને દિલ્હીની સરહદમાં તાત્કાલિક હટાવવાના નિર્દેશ આપવામાં આવે કેમકે પ્રદર્શનકારીઓના કારણે કોરોનાનો ખતરો વધી શકે છે. પિટીશનરના વકીલ ઓમપ્રકાશ પરિહારે આ જાણકારી આપી. જો કે આ અરજી પણ ક્યારે સુનાવણી થશે તે નક્કી થયું નથી.

ખેડૂત ભાઈઓને આજે બંગાળના CM મમતા બેનર્જીનો પણ સાથ મળી ગયો છે. તેમણે ઘણા ખેડૂત નેતાઓ સાથે ફોન પર વાત કરી છે અને તેમને કહ્યું કે, કેન્દ્રીય કૃષિ કાયદા વિરુદ્ધ તમારા આંદોલનમાં તૃણમૂલ પુરી રીતે તમારી સાથે છે.

ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે યુપી ગેટ પર ખેડૂતોની મહાપંચાયતને સંબોધતા ખેડૂતોનું ઉત્પાદન MSPથી ઓછી કિંમતે ખરીદનારા લોકોને કેદની સજા કરવાની બંધારણીય જોગવાઈ કરવાની માગ કરી અને કહ્યું કે MSP મુદ્દે કોઈ સમાધાન નહીં થાય.

ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયન હરિયાણામાં ખેડૂતોને મળ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ આ ત્રણેય કૃષિકાયદાના માધ્યમથી ખેડૂતોના અધિકારો કોર્પોરેટ ગૃહોને વેચી રહ્યો છે. ખેડૂતોના સપોર્ટમાં એવોર્ડ પરત કરવાનો સિલસિલો બીજા દિવસે શુક્રવારે પણ યથાવત રહ્યો. લેખક ડૉ. મોહનજીત, ચિંતક ડો. જસવિંદર અને પત્રકાર સ્વરાજબીરે તેમના સાહિત્ય અકાદમી એવોર્ડ પરત કરી દીધા છે. ગુરુવારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે તેમનો પદ્મવિભૂષણ એવોર્ડ પરત કરી દીધો હતો.

હાલમાં જ ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે થયેલી વાતચીતમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે, આંદોલન હવે અટકશે નહીં. ક્રાંતિકારી ખેડૂત યુનિયનના લીડર દર્શનપાલે આજે કહ્યું કે કેન્દ્ર કાયદામાં અમુક સુધારા માટે રાજી છે, પણ અમે નહીં. અમે તેમને જણાવી દીધું કે, આખા કાયદામાં ખામી છે. અમે આવતીકાલે યોજાનારી મીટિંગ પહેલા આજે ચર્ચા કરીશું અને અમારી રણનીતિ તૈયાર કરીશું. સંગઠનો વચ્ચે બેઠક થઈ રહી છે.