આજના દિવસથી શરુ થયેલી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમનો ૬૬ પરાજય થયો છે. ઑસ્ટ્રેલિયાએ સિડનીમાં રમાયેલી પહેલી વનડેમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પહેલી બેટિંગ કરતા ઑસ્ટ્રેલિયાએ ૫૦ ઑવરમાં ૩૭૪ રનનો વિશાળ સ્કોર ભારતીય ટીમ સામે રાખ્યો હતો આ વિશાળ સ્કોરનો પીછો કરતા ભારતીય ટીમ ૫૦ ઑવરમાં ૮ વિકેટે ૩૦૮ રન જ બનાવી શકી હતી

આજે રમાયેલી મેચમાં ઑસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા કેપ્ટન એરોન ફિંચ ૧૧૪, સ્ટીવ સ્મિથ ૧૦૫, વૉર્નર ૬૯ અને મેક્સવેલના ૪૫ રનની મદદથી ૫૦ ઑવરમાં ૬ વિકેટે ૩૭૪ રન બનાવી લીધા હતા. ઑસ્ટ્રેલિયાની પહેલી વિકેટ ૧૫૬ રને પડી હતી. ભારતીય બૉલરોની ઑસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ જબરદસ્ત ધોલાઈ હતી કરી. ભારત તરફથી મોહમ્મદ શમી સૌથી સફળ બોલર રહ્યો હતો અને તેણે ૧૦ ઑવરમાં ૫૯ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત બુમરાહ, સૈની અને ચહલને ૧-૧ વિકેટ મળી હતી.

ભારતીય ટીમના ઓલરાઉન્ડર બેસ્ટમેન હાર્દિક પંડ્યાએ ધમાકેદાર બેટિંગ કરી લોકોના દિલ જીત્યા હતા તેમણે ૭૬ બૉલમાં ૯૦ અને શિખર ધવને ૮૬ બૉલમાં ૭૪ રન બનાવ્યા. મયંક અગ્રવાલ ૨૨, કોહલી ૨૧ અને જાડેજાએ ૨૫ રનનું યોગદાન આપ્યું હતુ. તો અંતિમ ઑવરમાં નવદીપ સૈની અને મોહમ્મદ શમીએ શાનદાર બેટિંગ કરતા ભારતનો સ્કોર ૩૦૦ની પાર કર્યો હતો. જોકે ભારત ઑસ્ટ્રેલિયાને હરાવી શક્યું નહીં અને અંતે તેનો ૬૬ રને પરાજય થયો હતો.