બાળકો ૬ થી ૧૦ વર્ષનીમાં સામાન્ય રીતે લખતા વાંચતા શીખતાં હોય છે, જુદી જુદી રમતોની વચ્ચે જીવનની શરૂઆત કરતા હોય છે, પરંતુ અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતો નાનકડા ૬ વર્ષના અર્હમ ઓમ તલસાણિયા નાનપણમાં જ પાયથોન પ્રોગ્રામર બન્યો છે. આ સાથે જ અર્હમે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન હાંસીલ કર્યું છે. ૨૩ જાન્યુઆરી ૨૦૨૦માં અમદાવાદના અર્હમ ઓમ તલસાણિયાએ ૬ વર્ષની ઉંમરમાં જ માઈક્રોસોફ્ટ ટેક્નોલોજી એસોસિએટની પાયથોન પ્રોગ્રામિંગ લેંગ્વેજની પરીક્ષામાં ૧૦૦૦ માંથી ૯૦૦ માર્ક મેળવી એટલે કે ૯૦ ટકા સાથે પાસ કરી લીધાની જાણકારી મળી રહી છે.

     અર્હમ હાલમાં પોતાની વિડીયો ગેમ બનાવી રહ્યો છે, તે એક જ સમયે ગેમના 2D અને 3D વર્ઝન પર કામ કરી રહ્યો છે જે ટૂંક સમયમાં લોન્ચ કરશે. તે પોતાની ગેમ્સ, સોફ્ટવેર અને રોબોટ્સ પણ બનાવવા માંગે છે. અર્હમની આ સિદ્ધિમાં તેના પરિવારનો પણ ઘણો ફાળો રહ્યો છે, તેના પિતા ઓમ સોફ્ટવેર એન્જીનીયર છે, માતા તૃપ્તિ એન્જીનીયર તેમજ લેક્ચરર છે.

     અર્હમએ આ રેકોર્ડ પાકિસ્તાની મૂળના અને હાલ બ્રિટનમાં રહેતા ૭ વર્ષના મુહમ્મદ હમઝા શેહઝાદનો અગાઉના ગિનિસ રેકોર્ડને તોડયો છે. કમ્પ્યૂટર એન્જિનિયરિંગ ક્ષેત્રે ભવિષ્ય બનાવવા ઈચ્છતા લોકોએ પ્રોગ્રામિંગ લેંગ્વેજ માટેના માઈક્રોસોફ્ટ સર્ટિફિકેટ માટે એપ્લાય કરવાનું હોય છે. એન્જીનીયરો માટે અઘરી માનવામાં આવતી આ પરીક્ષા CCTV સર્વેલન્સ તેમજ ચુસ્ત સુપરવિઝન સાથે લેવાતી હોય છે, જેમાં ૭૦ ટકા કરતા વધુ પરિણામ મેળવનાર પરિક્ષાર્થી જ પાસ કહેવામાં આવે છે. જેમાં અર્હમએ ૯૦ ટકા મેળવ્યા હતા.

      અમદાવાદના ધોરણમાં અભ્યાસ કરતા ૬ વર્ષના અર્હમે આ મોટી સિધ્ધિ મેળવતા ‘ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ દ્વારા નોંધ લઈ તેને ‘યંગેસ્ટ કમ્પ્યૂટર પ્રોગ્રામર’ જાહેર કરાયો છે. માત્ર અઢી વર્ષની ઉંમરથી જ ગેઝેટમાં રસ દાખવનાર અર્હમ ૫ વર્ષનો થયો ત્યારથી જ ગેમ કઈ રીતે બને, તેમાં રસ પડતા તે દિશામાં આગળ વધ્યો હતો અને છ વર્ષની ઉંમરે માઈક્રોસોફ્ટ ટેક્નોલોજી એસોસિએટ પાયથોન પ્રોગ્રામિંગ લેંગ્વેજની પરીક્ષા આપી હતી અને જેના પરિણામ બાદ ‘યંગેસ્ટ કમ્પ્યૂટર પ્રોગ્રામર’ જાહેર થયો અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.