ગ્રીક ગોડ રીતિક રોશને 20 વર્ષ પહેલા ‘કહોના પ્યાર હૈ’ થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. હવે રીતિક હોલિવૂડમાં કામ કરે તેવી શક્યતા છે. જો બધું જ પ્લાન મુજબ થયું તો તે સ્પાય થ્રિલર ફિલ્મમાં જોવા મળી શકે. રિપોર્ટ પ્રમાણે, રીતિકે આ ફિલ્મ માટે ઓડિશન પણ આપ્યું છે.

   કહેવાય છે કે આ મલ્ટી મિલિયન પ્રોજેક્ટ પાછળ એક જાણીતા પ્રોડક્શન હાઉસે પૈસા રોક્યા છે. મિડ ડેના રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મને બનાવનાર પ્રોડક્શન હાઉસે રીતિકની ટીમને મૂવીમાં રોલ તથા સીનની ડિમાન્ડની માહિતી આપી હતી. ત્યારબાદ રીતિકને ઓડિશન રેકોર્ડ કરીને મોકલવાનું કહ્યું હતું. રીતિકે બે અઠવાડિયા પહેલા ઓડિશન આપ્યું હતું.

   રીતિક તથા પ્રોડક્શન હાઉસ વચ્ચેની વાતચીત હાલમાં પ્રાથમિક તબક્કામાં છે અને જો બધું ઠીક થયું તો રીતિક ‘ક્રિશ 4’ના શૂટિંગ બાદ આ ફિલ્મ સાથે જોડાશે. જોકે, રીતિકે હજી આ ફિલ્મ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

    છેલ્લી વાર ‘વૉર’માં જોવા મળ્યો હતો રીતિકે ગયા વર્ષે હોલિવૂડમાં કામ કરવાનું નક્કી કર્યું હતું. તેણે અમેરિકાની એજન્સી ગર્શ સાથે ડીલ કરી. આ એજન્સી એક્ટર્સને હોલિવૂડમાં પ્રોજેક્ટ અપાવવામાં મદદ કરે છે. રીતિકની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ અંગે વાત કરીએ તો ગયા વર્ષે ‘વૉર’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જબરજસ્ત એક્શન સીન હતા. ફિલ્મમાં ટાઈગર શ્રોફ તથા વાણી કપૂર હતા. આ પહેલાં રીતિક ‘સુપર 30’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રીતિકે મેથ્સ એક્સપર્ટ આનંદ કુમારની ભૂમિકા ભજવી હતી.

બોલિવૂડ સ્ટાર રીતિક પેહલીવાર હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવી રહ્યો છે. આ વિષે સ્ટાર રિતિકે પોતાનો નિર્ણય કે નિવેદન આપ્યું નથી.