GMSP ફાઉન્ડેશન અને અક્ષયપાત્ર ફાઉન્ડેશને યુકેમાં બાળકોની ભૂખને સંતોષવા માટે વાજબી ઉકેલ તરીકે અદ્યતન કિચન લોન્ચ કર્યું છે. દેશમાં પોતાના પ્રકારનું પ્રથમ GMSP અક્ષયપાત્ર કિચન લંડનમાં બાળકોને પોષણયુક્ત ભોજન વિનામૂલ્યે ડિલિવર કરશે.

     આ ઝિરો વેસ્ટ અને સ્વ-ટકાઉ કિચન મોડલની મૂળ રચના ભારતમાં થઇ છે, જે સરકાર દ્વારા સંચાલિત 19,000થી વધુ શાળાઓમાં દરરોજ 1.8 મિલિયનથી વધુ બાળકોને 52 રસોડા મારફતે પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવે છે. હવે તેની કામગીરી લંડનમાં વેટફોર્ડમાં પણ શરૂ થઇ છે, જ્યાં માન્ચેસ્ટર યુનાઇટેડ ફુટબોલર માર્કસ રેશફોર્ડ MBEના સહયોગ તથા નેશનલ ફુડ સ્ટ્રેટેજીની બાળકોની ભૂખ સંબંધિત ભલામણોને લક્ષ્યમાં રાખીને આ ઉકેલ રજૂ કરાયો છે.

    આ પ્રોજેક્ટ અંગે પ્રશ્નનો જવાબ આપતાં રમેશે જણાવ્યું હતું કે પૂજ્ય મોરારી બાપુ તેમની કથામાં લોકોને જમાડવાની મહત્વતા અંગે વાત કરે છે. મોરારી બાપુના ઉપદેશથી પ્રેરાઇને રમેશે યુકેમાં કિચન લાવવાના વિચાર સાથે અભયપાત્ર યુકેના પ્રેસિડેન્ટ રવિન્દ્ર ચામરિયાનો સંપર્ક કર્યો, જેથી દેશમાં બાળકોની ભૂખની વધતી કટોકટીનો ટકાઉ ઉકેલ લાવી શકાય. તેમણે સાથે મળીને મોરારી બાપુનું માર્ગદર્શન અને આશિર્વાદ પ્રાપ્ત કર્યાં. રમેશે પૂજ્ય બાપુના ઉપદેશો વિશે ઉત્સાહપૂર્વક વાત કરી હતી કે જેમણે સત્ય, પ્રેમ અને કરૂણાથી લાખો લોકોને પ્રેરિત કર્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, બાપુના આશિર્વાદને કારણે GMSP અક્ષયપાત્ર કિચન અસ્તિત્વમાં આવી રહ્યું છે.

    આ કિચન મોડલ સુનિશ્ચિત કરે છે કે બાળકો પર્યાપ્ત માત્રામાં પોષણ પ્રાપ્ત કરે, જે તેમની માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે આવશ્યક હોય. યુકેમાં GMSPનું અક્ષયપાત્ર કિચનનું પ્રત્યેક વિનામૂલ્યે ભોજન ભારતમાં બાળક માટે ભોજનને સ્પોન્સર કરશે. ઉલ્લેખનીય છે કે GMSPના અક્ષયપાત્ર કિચન વિશેષ પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે યુકેમાં ભૂખ અને પોષણ સંબંધિત કટોકટીનો ઉકેલ લાવવામાં મદદરૂપ બની શકે. GMSP ફાઉનડેશને કિચનની સ્થાપના માટે 500,000 યુરોનું દાન કર્યું છે.

   GMSP ફાઉન્ડેશનના સ્થાપક રમેશ અને પ્રતિભા સચદેવ ભારતમાં અક્ષયપાત્રને લાંબા સમયથી ભંડોળ પ્રદાન કરવાની સાથે સાથે ભારત અને યુકેમાં બાળકો અને ઘર વિહોણાને સહયોગ કરવા પ્રોગ્રામને સહયોગ પ્રદાન કરી રહ્યાં છે. અમદાવાદમાં અક્ષયપાત્ર કિચનની મુલાકાત લીધા બાદ રમેશ અને પ્રતિભા નવીન કિચન કોન્સેપ્ટથી પ્રભાવિત થયાં હતાં.

   ભાવિ યોજનાઓ વિશે વાત કરતાં રમેશે જણાવ્યું હતું કે, અમે લંડન અને યુકેના અન્ય વિસ્તારોમાં GMSPના અક્ષયપાત્ર કિચનના સેન્ટ્રલાઇઝ્ડ મોડલને વિસ્તારવાની યોજના ધરાવીએ છીએ, જેથી પોષણ યુક્ત હોલીડે મીલ અને ત્યારબાદ વિના મૂલ્યે શાળામાં પણ ભોજન આપી શકાય. આ અભિગમ સાથે યુકે હોલિડે હંગરની સમસ્યાનો ઉકેલ લાવી શકશે તથા ભાવિ માટે પેઢી ગરમ, તાજુ ભોજન સુનિશ્ચિત કરી શકાશે.

     GMSPના અક્ષયપાત્ર કિચન લંડન અને વેટફોર્ડમાં હોલિડે હંગરની સમસ્યા ઉપર પ્રથમ ધ્યાન કેન્દ્રિત કરશે અને ત્યારબાદ શાળાઓમાં તેને વિસ્તારશે. આ કિચન લંડન અને વેટફોર્ડમાં હોલિડેમાં 2,000 ભોજન અને ખોરાકથી વંચિતો માટે 3,000 ભોજન બનાવશે. એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઇ ગયાં બાદ તે દૈનિક 5,000 ચાઇલ્ડ મીલ અને ભોજન ન મેળવતા લોકો માટે 4,000 ભોજન તૈયાર કરશે.