ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના એક ડ્રાઇવરે ચાલુ ફરજ દરમિયાન નદીમાં કૂદી ગયાનો બનાવ સામે આવ્યો છે. ડ્રાઇવરે મુસાફરો ભરેલી બસ અચાનક થોભાવી દીધી હતી અને બાદમાં કોઈ કંઈ પણ વિચારે તે પહેલા જ પુલ પરથી નદીમાં કૂદી ગયો હતો. આ સમગ્ર મામલે વધારે તપાસ કરવામાં આવી રહી છે. ડ્રાઇવરે રાજપીપળાથી બસ લઈને વડોદરા શહેર ખાતે જઈ રહ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે રાજપીપળાથી 26મી ઓક્ટોબરે સાંજે 5:00 કલાકે GJ 18 Z 5630 નંબરની બસ લઈ 748 બેઝ નંબર ધરાવતો ડ્રાઇવર આશિષ કુમાર રણછોડ મુંડવાડા (રહે.સંતરામપુર) પેસેન્જર લઈ વડોદરા કીર્તિ સ્તંભ જવા રવાના થયો હતો. આ દરમિયાન તેણે પોઈચા બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં ઝંપલાવી દીધું હતું. બસમાં અંદાજે 20 મુસાફર સવાર હતા. અચાનક બનેલી આ ઘટનાથી મુસાફરો પણ ડરી ગયા હતા. આ મામલે એસ.ટીના તંત્રને તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ફરજ દરમિયાન જે ડ્રાઇવરે નદીમાં ઝંપલાવી દેતા એસ.ટી. ડેપો મેનેજર પર બનાવ સ્થળે દોડી ગયા હતા.
ડ્રાઇવરે નદીમાં ઝંપલાવ્યાની વાત બાદ ફાયર વિભાગને જાણ કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, ડ્રાઇવરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે આશિષકુમાર સોમવારે સાંજે આશરે પાંચ વાગ્યે વડોદરા માટે મેટ્રોલિંક બસ લઈને નીકળ્યો હતો. બસમાં 20 જેટલા મુસાફરો સવાર હોવાની માહિતી મળી છે. એવી પણ માહિતી મળી છે કે ડ્રાઇવર આશિષ સવારે જ મહારાષ્ટ્રના નાસિક ખાતેથી બસ લઈને પરત આવ્યો હતો. જે બાદમાં સાંજે તે વડોદરા જતી બસમાં નોકરી પર હતા.
રાજપીપળા પોલીસ સહિત રાજપીપળા ST ડેપો મેનેજર પોતાના અન્ય સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચી જઈ આ ઘટના કેમ બની એ મામલે તપાસ હાથ ધરી છે. અચાનક ડ્રાઇવર કેમ પુલ પરથી નીચે કૂદી પડ્યો એ પ્રશ્ન હાલ પોલીસ અને ST ડેપો સ્ટાફમાં ચર્ચાઈ રહ્યો છે.