દેશમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન જેવો માહોલ હતો. સાત મહિના સુધી ચાલેલા લોકડાઉન બાદ હવે ધીરે ધીરે પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે. જોકે છેલ્લા સાત મહિનાથી દેશ અને રાજ્ય ભરમાં શૈક્ષણિક સ્થાઓ બંધ હોવાથી અત્યારે સરકારના આદેશ દ્વારા ઓનલાઇન શિક્ષણ શરુ કરવામાં આવ્યું છે. જેનાથી ઘરે બેઠા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ લઇ શકે છે પરંતુ ઓનલાઈન શિક્ષણ માત્ર શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણનો લાભ લઇ શકે છે પરંતુ ગુજરાતના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કપરાડા તાલુકાના બાળકોએ ઓનલાઇન શિક્ષણ માટે પોતાના ઘરથી બે થી ત્રણ કિલોમીટર દુર જંગલ અને પહાડીઓ ખૂંદી અને ઊંચા પહાડ પર ખુલ્લા આકાશમાં  જંગલમાં બેસી ઓનલાઇન શિક્ષણ લેવા મજબૂર થઈ રહ્યા છે.

   ગુજરાતના છેવાડે આવેલો વલસાડ જિલ્લો અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે વલસાડના અંતરિયાળ વિસ્તારમાં ૯૦ ટકા આદિવાસી ગામડાઓ આવેલા છે. કપરાડા પહાડોથી ઘેરાયેલ છે. પહાડી વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે. આથી કપરાડા વિસ્તારના છેવાડાના વિસ્તારોમાં આજે પણ સ્થાનિક લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. જોકે છેલ્લા સાત મહિનાથી કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉન જેવી પરિસ્થિતિને કારણે શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ છે. આથી અત્યારે શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે કપરાડા વિસ્તારમાં મોબાઈલ નેટવર્કની સુવિધા ન હોવાથી આ વિસ્તારના બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહ્યા છે. શિક્ષણ મેળવવા મોટા ડુંગરો ચઢવા પડી રહ્યા છે. અભ્યાસ ઇચ્છુક વિદ્યાર્થીઓ રોજ મોબાઇલ-લેપટોપ લઇ નેટવર્ક મેળવવા પથ્થરો વાળા આડાતેડા ડુંગરો ચઢી રહ્યા છે. જ્યાં ચઢવું તેમના જીવ માટે પણ જોખમી બની રહ્યું છે. પરંતુ નેટવર્કની શોધમાં બાળકોએ પોતાના ઘરથી દૂર જંગલમાં ટેકરીઓ પર ભટકવું પડે છે. અને જંગલમાં રખડી અને ડુંગરો, ટેકરીઓ પર ચડી અને મહામુસીબતે નેટવર્ક મળે તે જગ્યાએ બેસીને અભ્યાસ કરવા મજબૂર થઈ રહ્યા છે

    કપરાડા તાલુકાના લગભગ તમામ ગામોમાં આવી જ પરિસ્થિતિ છે મોટાભાગના ગામોમાં નેટવર્કની સુવિધાઓ નથી. મોબાઇલ નેટવર્ક નહિ મળતું હોવાથી અનેક વખત લોકો ફોનથી પણ સંપર્કમાં કરી શકતા નથી. આથી બાળકો એ ઓનલાઇન શિક્ષણ માટે આ રીતે પોતાના ઘરથી દૂર જંગલ પહાડ પર ચઢી ભટકી અને મોબાઇલ નેટવર્ક જ્યાં મળે ત્યાં બેસીને અભ્યાસ કરવા મજબૂર થઈ રહ્યા છે.. આવા દ્રશ્યો તાલુકાના લગભગ તમામ ગામના જોવા મળે છે. મહત્વપૂર્ણ છે કે કપરાડા રાજ્યનું ચેરાપુંજી પણ છે. અહીં ચોમાસામાં સરેરાશ ૧૦૦ થી ૧૨૦ ઈંચથી વધુ વરસાદ પડે છે.. આથી ચોમાસાના ત્રણ મહિના જેવું સતત વરસાદી માહોલ હોય છે. આવા સમયે અનેક વખત વરસાદી વાતાવરણને કારણે બાળકો ઓનલાઇન શિક્ષણ લઈ શકતા નથી. અને ઓનલાઇન પરીક્ષા માટે પણ તેઓએ ભટકવું પડે છે. અને કેટલીક વખત વરસાદી અને વાદળછાયા વાતાવરણને કારણે નેટવર્ક નહિ મળતું હોવાથી ઓનલાઈન ક્લાસ પણ ભરવાથી વંચિત રહી જાય છે. તો ઈમરજન્સીમાં તેઓ પોલીસ કે 108 ને ફોન કરવા પણ આવી જ રીતે જંગલ અને પહાડીઓ પર ભટકવું પડે છે. આથી આ વિસ્તારમાં લોકો અને બાળકો તેમની મુશ્કેલી દૂર કરવા માટે સરકાર સમક્ષ આ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની સુવિધાઓ ઊભી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

   આદિવાસી વિસ્તાર ધરમપુર અને કપરાડામાં આદિવાસી નેતાઓ ચુંટણી સમયે ખોટા સપનાં બતાવે છે અને વિકાસની વાતો કરે છે પરંતુ હકીકત કઈ અલગ છે ધરમપુર અને કપરાડામાં આદિવાસી વિસ્તારના લોકોની હજુ પણ પરિસ્થિતિ એવી ને એવી છે. કપરાડા વિધાસભાની બેઠક પર છેલ્લા ૫ વર્ષથી કોંગ્રેસનું અવિરત શાસન છે. બીજી તરફ વલસાડના સાંસદની બેઠક પણ આદિવાસી અનામત છે. અહીં કોંગ્રેસ અને ભાજપ બંનેનું શાસન રહ્યું છે, પરંતુ આદિવાસી નેતાઓ પોતાના જ વિસ્તારમાં મોબાઇલ ટાવર જેવી સુવિધા ઉભી કરવામાં ધરાર નિષ્ફળ નિવડયા હોવાનું જોવા મળી રહ્યું છે.

    મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી સરકાર ડિજિટલ ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું છે. જેમાં સરકારની અનેક સેવાઓ ઓનલાઇન થઈ ગઈ છે. જ્યાં ઘરે બેઠા લોકો સરકારની ઓનલાઇન સેવાનો લાભ લઇ શકે છે. અને સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડતા નથી. જોકે કપરાડા વિસ્તારના લોકોના કરમની કઠણાઈ એ છે કે ડિજિટલ ઇન્ડિયાની વાત તો દૂર રહી. તેઓએ એક ફોન કરવા પણ જંગલમાં પહાડીએ પહાડીએ ભટકવું પડે છે. અને આ વિસ્તારના બાળકો એ પણ અભ્યાસ માટે પોતાના ઘરથી દૂર જંગલ જંગલમાં ભટકી અને અભ્યાસ કરવા મજબૂર થવું પડે છે આથી આ વિસ્તારના બાળકો અને સ્થાનિક લોકોની પીડા સમજી અને આ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની સુવિધા ઊભી કરવાનો નિર્ણય ઝડપથી લેવમાં આવે તો તે લોકહિતમાં હશે.

by બિપીન રાઉત