આપણા રાજ્યના શિક્ષકોને સલામ કરવા પડે તેવી ખબર છે. કોરોનાકાળમાં જ્યાં શાળાઓ બંધ છે ત્યાં ગુજરાતના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન માટે પ્રેરિત કરવામાં આખા દેશમાં પહેલો ક્રમ મેળવ્યો છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઓનલાઇન પોર્ટલ DIKSHA (Digital Infrastructure for School Education)માં ડાયરેક્ટ પ્લેઝ સેક્શનમાં ૧.૭૫ કરોડ પ્લે સાથે ગુજરાત આખા દેશમાં પ્રથમ ક્રમે છે એવી માહિતી પ્રસારિત કરી છે.
સરકાર દ્વારા સંચાલિત દીક્ષા એપથી આખા દેશના તમામ રાજ્યોનો ડેટા ભેગો કરવામાં આવ્યો હતો. આ એપ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા તૈયાર કરવાઇ હતી. કોણે કેટલો ઉપયોગ કર્યો તે માટેનો સરવે કરાયો જેમાં એપ્રિલ ૧થી લઇને ઓક્ટોબર ૨૧ સુધી નો ડેટા મેળવવામાં આવ્યો છે. ડાયરેક્ટ પ્લે સેક્શનમાં તો ગુજરાત પહેલા ક્રમે છે પરંતુ તેની સાથે સમગ્ર રીતે આખા રાજ્યમાંથી આ એપનો ઉપયોગ ૫.૪૧ કરોડ વાર કરવામાં આવ્યો છે એવા અહેવાલ છે.
ગુજરાતની સરકારી શાળાના શિક્ષકોને કામ આપવામાં આવ્યું હતું. રાજ્યમાંથી ડાંગ, કચ્છ અને દાહોદને બાદ કરતા ૨ લાખ જેટલા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ઘરેથી ઓનલાઇન ભણે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. દરેક જિલ્લામાંથી લગભગ 93 ટકા વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન માટે એનરોલ કરવાયા હતા જેમાં ગુજરાતના શિક્ષકો એ બાજી મારી હોવાનું દીક્ષા એપનું કહેવું છે.
આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત લોકડાઉનના સમયમાં અને તે પછી પણ વિદ્યાર્થીઓ સતત ભણતા હતા. તેમના શિક્ષણને કોઇ મોટી અસર થઇ નથી. આ ઉપરાંત ઓનલાઇન શિક્ષણ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ગુજરાતમાં હવે મોટાભાગે તૈયાર થઇ ગયું હોવાનું આ સરવે જણાવે છે. જોકે, અહીં એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે ઘણા એવા ગામડા કે શહેરોના પછાત વિસ્તારો હશે જ્યાં વિદ્યાર્થીઓ ગરીબીને કારણે ભણી શક્યા નહીં હોય. તેમને જ્યારે શાળાઓ શરૂ થાય ત્યારે સ્પેશિયલ ક્લાસ લઇને ભણાવવાની વ્યવસ્થા સરકારે કરવી પડશે. દીક્ષા એપ દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે એમાં કેટલુ સત્ય છે એ રાજ્યની પ્રજા નક્કી કરશે. આ એપના દાવા પર પ્રજાનો મત અને નિર્ણય શું હશે એ આવનારો સમય બતાવશે.