દેશભરમાં અસત્યના પ્રતીક તરીકે રાવણનું પુતળું દહન કરવામાં આવશે. પરંતુ મધ્ય પ્રદેશમાં એક એવી જગ્યા છે જ્યાં રાવણના પૂતળાનું દહન નથી કરતા. પરંતુ રાવણની પ્રતિમાની પૂજા કરવામાં આવે છે. અહીં રાવણને જમાઈ માનવામાં આવે છે. મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લાના ખાનપુર ક્ષેત્રમાં રાવણની પૂજા ધૂમધામથી કરવામાં આવે છે. દશેરા પર ત્યાના લોકો હાથમાં આરતીની થાળી લઈને, ઢોલ અને નગારા વગાડતાં રાવણની પ્રતિમાની પૂજા દર વર્ષે અહીં થાય છે. દશેરા પર્વ પર સવારથી જ લોકો પૂજા કરવા આવે છે અને રાવણની આરતી ઉતારે છે. મંદસૌરમાં નામદેવ સમાજ 300 થી વધુ વર્ષોથી રાવણની પૂજા કરતો રહ્યો છે. નામદેવ સમાજ રાવણની પત્ની મંદોદરીને પોતાની દીકરી માને છે. આ કારણે સમુદાયના લોકો રાવણને પોતાના જમાઈ માને છે અને પૂજા પણ કરે છે.

    નામદેવ સમાજના અધ્યક્ષ રાજેશ મેડતવાલે જણાવ્યું કે વર્ષોથી સમાજના લોકો રાવણની પૂજા કરતા આવ્યા છે. સ્થાનિક કર્મકાંડી વિદ્યાન શ્યામ પંડ્યાનું કહેવું છે કે એક માન્યતા છે કે રાવણની પત્ની મંદોદરી નામદેવ પરિવારની જ દીકરી હતી, તેથી રાવણને જમાઈની જેમ સન્માન આપવામાં આવે છે અને તેમની પૂજા પણ કરવામાં આવે છે. ત્યાં લોકોનું એવું કહેવું છે. કે મંદસૌરનું પ્રાચીન નામ દશપુર હતું અને આ સ્થાન રાવણની પત્ની મંદોદરીનું પિયર હતું. આ બાબતને ધ્યાનમાં રાખીને નામદેવ સમુદાયના લોકો રાવણને મંદસૌરના જમાઈ માને છે. રાજ્યના વિદીશા જિલ્લાના રાવણ ગામમાં રાવણનું મંદિર પણ છે, જ્યાં પૌરાણિક પાત્ર રાવણની ઊંઘતી અવસ્થામાં પ્રતિમા પણ સ્થાપિત છે. સ્થાનીક લોકો રાવણ બાબાના રૂપમાં પૂજે છે.

     નામદેવ સમાજના તનિષ્ક બઘેરવાલનું કહેવું છે કે અહીં મહિલાઓ રાવણને જમાઈ માને છે. આ કારણે ઘૂંઘટ કાઢીને જ રાવણની પ્રતિમાની સામેથી પસાર થાય છે. રાવણના વિશે એક માન્યતા એવી પણ છે કે અહીં ગામમાં કોઈ પણ વ્યક્તિને તાવ આવે તો પગમાં રક્ષા સૂત્ર બાંધવાથી તે ઠીક થઈ જાય છે. લોકો અહીં આવે છે અને રાવણના પગમાં દોરો બાંધવામાં આવે છે.