IPLની 13મી સીઝનની 43મી મેચમાં આજે (શનિવાર) સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ આમને-સામને હશે. પંજાબની ટીમ સતત ત્રણ જીત બાદ આત્મવિશ્વાસથી ભરપૂર છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે પાછલી મેચમાં શાનદાર જીત મેળવી હતી. કિંગ્સ ઇલેવન અને સનરાઇઝર્સની સ્થિતિ એક જેવી છે. આ બંન્ને ટીમોના 10 મેચોમાં 8 પોઈન્ટ છે, પરંતુ હૈદરાબાદની ટીમ સારી નેટ રનરેટને કારણે પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને છે. પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે બંન્ને ટીમોએ બાકીની બધી મેચ જીતવી પડશે.
IPLના રેકોર્ડની વાત કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ વચ્ચે અત્યાર સુધી 15 મુકાબલા (2013-2020) રમાયા છે. સનરાઇઝર્સને 11 જ્યારે પંજાબને માત્ર ચારમાં જીત મળી છે. આ સીઝનમાં રમાયેલી પ્રથમ મેચમાં હૈદરાબાદનો 69 રને વિજય થયો હતો.
ઉલેખનીય છે કે કિંગ્સ ઇલેવન પંજાબ માટે ટૂર્નામેન્ટની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ છેલ્લી ત્રણ મેચમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. પંજાબે દિલ્હી, મુંબઈ અને આરસીબીને પરાજય આપ્યો છે. રાહુલની આગેવાની વાળી ટીમે ટોપ-4મા જગ્યા બનાવવા માટે વિજય અભિયાન જારી રાખવું પડશે. કિંગ્સ ઇલેવનની બેટિંગ સુરક્ષિત હાથોમાં છે કારણ કે કેપ્ટન રાહુલ, મયંક, ક્રિસ ગેલ અને પૂરન સારૂ પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ ગ્લેન મેક્સવેલનું ફોર્મ ચિંતાનો વિષય છે. જિમી નીશામ આવવાથી ટીમની બેટિંગ અને શમીની આગેવાની વાળી બોલિંગને મજબૂતી મળી છે.
જયારે સનરાઇઝર્સે પણ પ્લેઓફમાં પહોંચવા માટે પોતાની બાકી ચારેય મેચ જીતવી પડશે. સતત ત્રણ હાર બાદ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ગુરૂવારે 8 વિકેટથી મળેલી જીત બાદ ટીમનું મનોબળ વધ્યું છે. ડેવિડ વોર્નરની ટીમ પ્લેઓફની આશા જીવંત રાખવા કોઈ કસર છોડશે નહિ.