ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે ધીમે ધીમે સરકાર દ્વારા જયારે શાળાઓની અનલોકની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે દેશના ઘણા બધા રાજ્યોએ શાળાઓ ખોલી દેવાનો આદેશ પણ આપ્યો હતો. તેમાં મિઝોરમમાં સરકારને શાળાઓ ખોલવી ભારે પડી જેના કારણે દસ જ દિવસમાં નિર્ણય પાછો લેવો પડયાના સમાચાર આવી રહ્યા છે. મિઝોરમમાં આદેશ અનુસાર ૧૬ મી ઓક્ટોબરે શાળાઓ ખોલવામાં આવી હતી. હવે સરકાર પાછો આદેશ આપી રહી છે કે ૨૬ મી ઓક્ટોબરથી ફરીથી શાળાઓ બંધ કરી દેવામાં આવશે.
મિઝોરમ સરકારે ફરી એકવાર બધી જ શાળાઓને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અનલોક પ્રક્રિયાના કારણે ૧૬ મી ઓક્ટોબરના રોજ શાળાઓને ખોલી દેવામાં આવી હતી પરંતુ તે બાદ રાજ્યમાં કોરોના વધુ વકર્યો જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ વાયરસની ઝપેટમાં આવી ગયા. એવામાં સરકારે તાબડતોડ ફરીથી શાળાઓને બંધ કરી દીધી છે. રાહતની વાત છે કે મિઝોરમમાં અત્યાર સુધી કોરોના વાયરસથી એક પણ મોત નથી થઇ.
રાજ્યમાં શાળાઓ ખોલ્યા બાદ અચાનક જ કેસ વધવાના કારણે ૨૬ ઓક્ટોબરથી ફરીથી શાળાઓ બંધ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે મિઝોરમ ભારતનું એવું રાજ્ય છે જ્યાં કોરોના વાયરસના કારણે એક પણ મોત થઇ નથી. હાલમાં રાજ્યમાં કોરોના વાયરસના કેસ ૨૩૦૦ને પાર થઇ ગયા છે અને સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે અઈઝોલમાં જ નવા ૧૫ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આશરે ૧૫૦ દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે ૨૧૦૦થી વધારે દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આવા સંજોગોને ધ્યાનમાં લઇ મિઝોરમ સરકારે ફરીથી શાળાઓને ‘લોક’ કરવાનો નિર્ણય લઇ લીધો છે.
આ ઘટના ગુજરાત સરકાર પર અને ગુજરાત શિક્ષણ વિભાગ પર કેવી અસર ઉપજાવશે. શું ગુજરાત સરકાર આ મિઝોરમની ઘટના પછી પણ રાજ્યમાં શાળાઓ ‘અનલોક’ કરવાનું જોખમ ઉઠાવશે ? શું રાજ્ય સરકારના આ સ્કૂલ અનલોકના નિર્ણય સાથે રાજ્યના લોકો સંમત થશે ખરા ? તેઓ કોરોનાનું જોખમ લઇ પોતાના બાળકોને શાળાઓમાં મોકલાવશે ? શું સરકાર મિઝોરમની આ ઘટનાનો બોધપાઠ લઇ રાજ્યની શાળાને ‘અનલોક’ કરવાના નિર્ણય પર ફરી વિચાર-વિમર્શ કરશે ? આવા અનેક સવાલોનો જવાબ હવે આવનારો સમય જ બતાવશે.