સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતો નથી. સમયનો બદલાવ અને સમય સાથે તાલ મિલાવવામાં જેને મહારત પ્રાપ્ત થઈ જાય તેનું અસ્તિત્વ અને સર્વાંગી વિકાસ થાય છે. પાષાણ યુગથી અત્યાર સુધી વિશ્વમાં માનવ સમાજે જે વિકાસ અને ઉન્નતિની ઉપલબ્ધી પ્રાપ્ત કર્યું છે તેમાં માનવ જાતની શિખવાની ધગસ અને સમયની સારણી સાથે કાબેલીયત પ્રાપ્ત કરવાના ગુણથી આજે માનવ સમાજ અને વિશ્વના વિકાસ થયો છે.

     વર્તમાનમાં ટેકનોલોજીના યુગમાં મહેનત અને બળની કિંમત ઓછી અંકાય છે અને મગજ શક્તિ અને કાબેલીયતથી સફળતાના પરિમાણો નક્કી થાય છે. મહેનત કરવાથી મળી જાય એ વાત અને કહેવત અને જીવનની ફિલોસોફી હવે આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે. સફળતા માટે મહેનતનો પ્રર્યાય હવે બદલાયો છે. વધુ મહેનત અને કામ કરવાવાળા સફળ થતાં નથી. જે લોકો બળના બદલે કળનો ઉપયોગ કરે છે તે સફળ થાય છે.

   સમયને સ્થિતિ સમજી આગળ વધનારા હંમેશા સફળ થાય છે. અત્યારના યુગમાં ડિજીટલાઈઝેશન અને ઈન્ટેલેક્ચ્યુઅલ એટલે બુદ્ધીના ઉપયોગ વગર વિકાસ અશક્ય છે. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, હું ત્રણ વસ્તુઓને ધ્યાને લઈ કામ કરી રહ્યો છું, પ્રથમ ભારતનું ડિજીટલાઈઝેશન અને સામાજીક અને ઔદ્યોગીક ક્ષેત્રે સંપૂર્ણપણે ડિજીટલાઈઝેશન કરીને આગામી ૩૦ વર્ષમાં ભારતની તરકી ૧૦૦ ગણી વધી જશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તેમણે બીજા લક્ષ્‍ય અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે ૨૦ કરોડ બાળકોને આધુનિક શિક્ષણમાં સામેલ કરવામાં આવશે. હું ૮ થી ૧૦ વર્ષનો સમય શિક્ષણને સંપૂર્ણપણે કૌશલ્યવર્ધક બનાવવામાં લઈશ. કૌશલ્યવર્ધક શિક્ષણથી જાદુઈ પરિણામ મળશે.

      વિશ્વના સૌથી મોટા પેટ્રો કેમીકલ જાયન્ટ ગ્રુપના મુકેશ અંબાણીએ વિકાસની પરિભાષાની અંગે જણાવ્યું હતું કે, મુળભૂત પરંપરાગત બળતર અને ઉર્જાના બદલે હવે આપણે આગામી દાયકાઓમાં સૂર્ય ઉર્જા, પવન ઉર્જા જેવા ઉર્જાના કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરતા શિખવું પડશે. મુકેશ અંબાણીએ તેમના પિતા ધીરૂભાઈ અંબાણીના દિશા નિર્દેશ અને કંડારેલા પથને યાદ કરતા જણાવ્યું હતું કે, ધીરૂભાઈ અંબાણી હંમેશા નવી ટેકનોલોજીના હિમાયતી હતા. મારા પિતા કહેતા કે હું માત્ર ટેક્ષટાઈલ્સ કંપની પુરતો મર્યાદિત રહેવા માંગતો નથી. રિલાયન્સ જીયોનું આગમન ૨૦૧૬માં થયું અને આજે ૪૦ કરોડ વિક્રેતાઓ જીયો ડિજીટલ નેટવર્કમાં જોડાયા છે.

   મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, દેશની ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર કોમ્યુનિકેશનનું માળખુ અત્યારે વિશ્વસ્તરનું બની ગયું છે. આપણે એક વાતની કાયમ નોંધ લેવી જોઈએ કે, આવડત અને કૌશલ્ય વગર વિકાસ શક્ય નથી. માત્ર મહેનત અને મજૂરીથી નહીં પરંતુ દેશ કૌશલ્યથી આગળ વધી શકશે.