ભારતના 11મા રાષ્ટ્રપતિ ડો.એપીજે એબ્દુલ કલામની આજે જન્મજયંતી છે. અબ્દુલ કલામ 2002માં ભારતના 11મા રાષ્ટ્રપતિ બન્યા હતા. ભારતના મિસાઈલ મેન કહેવાતા અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર, 1931ના રોજ રામેશ્વરમમાં થયો હતો. એ.પી.જે.અબ્દુલ કલામનું સન્માન કરતાં યુ.એન. ‘પીપલ્સ પ્રેસિડેન્ટ’ નો જન્મદિવસ 15 ઓક્ટોબર વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવે છે.

      કલામને સંશોધન, વિજ્ઞાનક્ષેત્ર તેમજ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઈસરો) અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન સાથેના તેમના કાર્ય માટેના યોગદાન બદલ સર્વોચ્ચ-નાગરિક એવોર્ડ ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા. અબ્દુલ કલામનું સમગ્ર જીવન જ યુવાઓ માટે પ્રેરણાદાયી માનવામાં આવે છે. આજે પણ યુવાઓ તેમના દ્વારા આપવામાં આવેલી શીખને ફોલો કરીને સફળતા મેળવવાનો પ્રયાસ કરે છે. એક માછીમારનો દીકરો દુનિયાના સૌથી મોટા લોકતંત્રનો રાષ્ટ્રપતિ બની જાય, તે સામાન્ય વાત ન કહેવાય. ડૉ.કલામ જીવનમાં આકરા સંઘર્ષ અને પોતાની સકારાત્મકતાથી આગળ વધતા રહ્યા હતા.

     ડૉ.કલામ હંમેશા પોતાના સપના પર વિશ્વાસ કરવાની વાત કહે છે. તેમને પોતાના પર ભરોસો હતો. કદાચ તેથી જ જીવનમાં વિપરીત પરિસ્થિતિઓ હોવા છતા પણ તેઓ શિખર પર પહોંચ્યા હતા. જ્યાં સુધી પહોંચનારા દુનિયાના બહુ જ ઓછા લોકો હોય છે. આજે અમે તમને ડો.કલામ દ્વારા કહેવામાં આવેલી મહત્વની વાતો જણાવીશું.

૧. દેશનું સૌથી સારું દિમાગ ક્લાસરૂમમાં છેલ્લી બેન્ચ પર મળી શકે છે.
૨. સૂર્યની જેમ ચમકવા માંગો છો, તો પહેલા તેની જેમ તપતા શીખો.
૩. રાહ જોનારાઓને માત્ર એટલું જ મળે છે, જેટલું પ્રયાસો કરીને છોડી દે છે.
૪. જો આપણને સફળતાના રસ્તે નિરાશા મળે છે, તો તેનો મતલબ એ નથી કે, આપણે પ્રયાસો કરવાના છોડી દેવા જોઈએ. દરેક નિરાશા અને અસફળતાની પાછળ જ સફળતા છુપાયેલી છે.
૫. જીવનમાં સુખનો અનુભવ ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે આ સુખ બહુ જ તકલીફોમાંથી પસાર થઈને પ્રાપ્ત કરાય છે.
૬. બધાના જીવનમાં દુખ આવે છે, બસ આ દુખોમાં સૌના ધૈર્યની પરીક્ષા લેવાય છે.
૬. જો તમે વિકાસ ઈચ્છો છો તો દેશમાં શાંતિની સ્થિતિ લાવવી આવશ્યક છે.

     તેમના શિક્ષણ પ્રત્યેના પ્રેમ પર 2006 માં શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારની રજૂઆત સમયે રાષ્ટ્રપતિના સંબોધનમાં કલામે કહ્યું હતું કે, “શિક્ષકોને ખ્યાલ હોવો જોઇએ કે તેઓ સમાજના નિર્માતા છે. સમાજ ત્યારે જ નિર્માણ કરી શકે છે જ્યારે વિદ્યાર્થીઓને તેમના વિષયોમાં નિપુણ બનાવવામાં આવે. આ ઉપરાંત તેઓએ વિદ્યાર્થીઓને જીવન માટે દ્રષ્ટિ પ્રદાન કરવી પડશે અને મૂલ્યોના મૂળભૂત સિધ્ધાંતો પણ ઉભા કરવા પડશે જેનો તેમણે આવનારા વર્ષોમાં અભ્યાસ કરવો જોઇએ. “વિદ્યાર્થીઓ પ્રત્યેની તેમની કરુણાને કારણે અનેક શૈક્ષણિક સંસ્થાઓ કલામનો જન્મદિવસ મનાવે છે.

     વિદ્યાર્થીઓનો સંદર્ભ આપતા તેમની કેટલીક લોકપ્રિય કહેવતોમાં શામેલ છે: “ચાલો આપણે આજે આપણા બલિદાન આપીએ જેથી બાળકોને આવતીકાલે વધુ સારી રીતે મળી શકે.” પ્રેરણાની લહેર વિદેશમાં પહોંચી 2005માં  સ્વીઝરલેન્ડની તેમની મુલાકાત પછી, દેશએ 26 મેને વિજ્ઞાન દિન તરીકે આદર અને તેમની મુલાકાતના સન્માન તરીકે ઉજવ્યો. કલામને 1981 માં પદ્મભૂષણ અને 1990માં પદ્મવિભૂષણ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

      કલામ ભારતના માત્ર ત્રણ રાષ્ટ્રપતિઓમાં શામેલ છે જેમને રાષ્ટ્રપતિ ચૂંટાયા પહેલા તેમને ભારતરત્ન અપાયો હતો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ – વિંગ્સ ઓફ ફાયર, માય જર્ની, ઇગ્નીટેડ માઇન્ડ્સ – ઈનલેશિંગ ધ પાવર ઇનર ઈન્ડિયા એન્ડ ઇન્ડિયા 2020-એ વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ જેવા પુસ્તકો પણ લખ્યાં છે. કલામે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ Management મેનેજમેન્ટ (આઈઆઈએમ), શિલોંગ ખાતે ભાષણ આપતી વખતે કાર્ડિયાક એરેસ્ટનો ભોગ બન્યા બાદ 2015 માં અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે જીવન દરમિયાન લીધેલા નિર્ણયો આજે આપણા માટે જીવન જીવવા પથદર્શક બન્યા છે.