વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થ અને ગલોબલ મેન્ટલ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા દર વરસે 4 થી 10 ઓક્ટોબર દરમિયાન વિશ્વ માનસિક આરોગ્ય સપ્તાહ તરીકે ઉજવાય છે અને 10મી ઓક્ટોબર વિશ્વ માનસિક આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ સમાજમાં માનસિક આરોગ્ય પ્રત્યે જનજાગૃતિ લાવવાનો તેમજ માનસિક આરોગ્ય પ્રત્યેનો ક્ષોભ તેમજ ભેદભાવ દુર કરવાનો છે. મુખ્ય માનસિક રોગોમાં વિચારવાયુ, હતાશા, ચિંતા, ચંચળતા અને દારૂના સેવનથી થતા માનસિક રોગ છે.

       આ વર્ષે વિશ્વ માનસિક આરોગ્ય દિન 10મી ઓકટોબર 2020ની થીમ છે માનસિક આરોગ્ય સૌના માટે : વધુ નિવેશ વધુ સુલભ અને ગમે ત્યાં ગમે ત્યારે સારવાર ઉપલબ્ધ. દેશમાં અંદાજીત 13 થી 15 ટકા એટલેકે 14 થી 15 કરોડ લોકો કોઈને કોઈ માનસિક રોગના શિકાર બન્યા છે અને 10 માંથી એક વ્યક્તિ સારવાર સુધી પહોંચે છે. મોટાભાગની માનસિક સમસ્યા તરુણાવસ્થાથી શરૂ થાય છે. ભારતમાં ડિપ્રેશન, ચિંતા અને દારૂના સેવનનાં કારણે માનસિક રોગનું પ્રમાણ વધ્યું છે.

       હાલમાં કોવિડ-19ની મહામારી ચાલી રહી છે ત્યારે તેના અટકાવ માટે લોકડાઉનથી લોકોમાં તણાવ, ભય, ચિંતા, કંટાળો, ઉદાસીનતા, મૂંઝવણ, એકલતા, નકારાત્મકતા, અનિંદ્રા, ગુસ્સો, દારૂનું વળગણ અને આત્મહત્યા જેવી માનસિક સમસ્યા જોવા મળી રહી છે. તો સામાજિક અંતરથી તણાવ, ચિંતા, અચોક્કસતાની લાગણી, તામસી પ્રવૃત્તિ, અધીરાઈ, શીઘ્ર ગુસ્સો, મુડમાં બદલાવ, બે ધ્યાનપણું, જોખમકારક અને ખોટા નિર્ણય જેવી માનસિક અસર જોવા મળેલી છે.

      વર્ષ 2020ની થીમ છે મેન્ટલ હેલ્થ ફોર ઓલ છે. ગ્રેટર ઇન્વેસ્ટમેન્ટ ગ્રેટર એસેટ, એવરીવન એવરી વ્હેર. જેમાં ગ્રેટર ઇન્વેસ્ટમેન્ટ એટલે કે માનસિક રીતે સ્વસ્થ રહેવા વધુ પ્રયત્નો કરો, રોજિંદી કસરત, નિયમિત પૌષ્ટીક આહાર, સમયાનુસાર આહાર, નિંદ્રા, મનગમતો શોખ કેળવો, પ્રાણાયામ, મેડિટેશન, મિત્ર વર્તુળમાં રહો અન્ય સાથે ઈલેકટ્રોનિક માધ્યમથી સપર્કમાં રહો. આપણા સ્વજનને કોઈપણ માનસિક સમસ્યા કે રોગ હોય તો વહેલામાં વહેલી તકે નિદાન અને સારવાર કરાવવી જોઈએ, તેમને હૂંફ,ટેકો અને સહકાર આપવો જોઈએ. તેમનું મનોબળ વધારવું જોઈએ, મનોરોગીઓને અલગ ન કરવા જોઈએ લોકોને વધુને વધુ માનસિક સમસ્યા પ્રત્યે જાગૃત કરવાનો નિર્ણય લેવો પડશે.