આપણા દેશમાં ખેડૂતો અને વિપક્ષના ભારે વિરોધ વચ્ચે પણ રવિવારે રાજ્યસભામાં વિવાદાસ્પદ ત્રણેય કૃષિ બિલો પસાર થઈ ગયા. કેન્દ્ર સરકારે આ બિલોને દેશના કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું અને તેનાથી ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ મળશે તેવો દાવો કર્યો. પરંતુ ખેડૂતો અને વિપક્ષ આ બિલોને ખેડૂતો માટે મૃત્યુઘંટ સમાન ગણાવ્યા છે.  

         રાજ્યસભામાં જે કૃષિ બિલો પસાર થયા તેમાં પહેલું બિલ ધ ફાર્મર્સ એન્ડ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ, 2020, બીજું ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રિમેન્ટ ઓન પ્રાઈસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ, 2020 અને ત્રીજું એશેન્શિયલ કોમોડિટીઝ (અમેન્ડમેન્ટ) બિલ, 2020 છે. આ ત્રણેય બિલમાં અલગ અલગ જોગવાઈઓ છે. જોકે ખેડૂતોની સૌથી મોટી ચિંતા એ છે કે આ બિલોને પગલે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી અને સરકારી ખરીદીની વ્યવસ્થા બંધ થઈ જશે. તેથી કૃષિ ક્ષેત્રમાં કોર્પોરેટ જગતનું વર્ચસ્વ વધશે. આ બિલોની વિગતો જાણીએ.

ફાર્મર્સ એન્ડ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ

          આ બિલ હેઠળ સરકારની યોજના એક એવું તંત્ર વિકસાવવાની છે, જ્યાં ખેડૂત તેની ઈચ્છા મુજબના સ્થળે તેનો પાક વેચી શકે, જેથી ખેડૂત તેના પાકનો સોદો માત્ર પોતાના જ નહીં અન્ય રાજ્યના વેપારીઓ સાથે પણ કરી શકે છે.

         આ નીતિ હેઠળ જે વિસ્તારોમાં ખેડૂતો પાસે વધારાનો પાક છે, તેઓ આ પાકની અછત હોય તેવા રાજ્યોમાં તેનું વેચાણ કરે તો તેમને વધુ સારી કિંમત મળશે. બીજીબાજુ અછત ધરાવતા રાજ્યોને પણ ઓછી કિંમતમાં વસ્તુ મળશે. હાલ ખેડૂતોને તેમની ઊપજ વેચવા માટે વધુ વિકલ્પો ઉપલબ્ધ નથી. ખેડૂતો તેમના વિસ્તારની એપીએમસીમાં અથવા રાજ્ય સરકારને જ પાક વેચી શકે છે. પોતાના ઉત્પાદનો વેચવાના વિકલ્પ ઓછા હોવાથી તેમની આવક ઘટે છે. જોકે, ખેડૂતોની ચિંતા એ છે કે આ નીતિ લાગુ થયા પછી એપીએમસી સુવ્યવસ્થા ખતમ થઈ જશે.

       આ સુવ્યવસ્થા ખતમ થતાં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી નહીં મળે. જોકે, વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ જણાવ્યું છે કે એપીએમસી જળવાઈ રહેશે, તેના પર આ બિલની કોઈ અસર નહીં પડે. સાથે જ એમએસપીને પણ આ બિલથી કોઈ જોખમ નથી.

ફાર્મર્સ એગ્રિમેન્ટ ઓન પ્રાઈસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ

      આ બિલ હેઠળ સરકારનો દાવો છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને નેશનલ ફ્રેમવર્ક મળશે. તેનાથી ખેતી સંબધિત બધું જોખમ માત્ર ખેડૂત નહીં, પરંતુ તેની સાથે કરાર કરનારી કંપની પર પણ રહેશે. બીજો મોટો લાભ ખેડૂતોને તેમના ઉત્પાદનના માર્કેટિંગ પર ખર્ચ નહીં કરવો પડે અને દલાલી ખતમ થશે.

       કૃષિ ક્ષેત્રની કંપનીઓ, હોલસેલર્સ, એક્સપોર્ટર્સ અને રીટલર્સ સાથે ખેડૂતો પોતે કરાર કરીને પરસ્પર ઉત્પાદનોના ભાવ નક્કી કરશે અને પાક વેચશે. ખેડૂતોને તેનાથી તેમના ઉત્પાદનોનું યોગ્ય મૂલ્ય મળશે. દેશમાં હજી પણ ખેતી એક અનિશ્ચિત પ્રોસેસ છે, તેમાં વરસાદ, બજારની અનુકૂળતા વગેરેની અસર થાય છે અને ખેતીનું સંપૂર્ણ જોખમ ખેડૂતોના માથે હોય છે. નવા બિલ અંગે ખેડૂતો અને વિપક્ષની ચિંતા એ છે કે વિવાદની સ્થિતિમાં ખેડૂતો કોર્પોરેટ સામે કેવી રીતે લડશે. તેમની પાસે સંશાધનો ઓછા પડશે. જવાબમાં સરકારનું કહેવું છે કે એગ્રીમેન્ટ સપ્લાય, ક્વૉલિટી, ગ્રેડ, સ્ટાન્ડર્ડ્સ અને ભાવ સંબંધિત શરતો પર વિવાદનો ઉકેલ લાવી શકાશે.

એશેન્શિયલ કોમોડિટીઝ બિલ

         આમ જોઈએ તો આ બિલ 1955માં બનાવાયેલા આવશ્યક વસ્તુ કાયદાની જોગવાઈઓમાં ફેરફારની વ્યાખ્યા કરે છે. સરકારે તેની જોગવાઈઓમાં અનાજ, કઠોળ, ખાદ્ય તેલો, ડુંગળી, બટાકા વગેરેને આવશ્યક વસ્તુની યાદીમાંથી હટાવી દીધા છે. સરકારનો તર્ક છે કે સામાન્ય સ્થિતિમાં સરકાર આ વસ્તુઓના સંગ્રહ અને વિતરણ પર તેનું નિયંત્રણ નહીં રાખે. તેના મારફત ફૂડ સપ્લાય ચેનને આધુનિક બનાવાશે તથા ભાવ સ્થિરતા રખાશે. વર્તમાન વ્યવસૃથામાં આવશ્યક વસ્તુ કાયદાના કારણે કોલ્ડ સ્ટોરેજ, ગોદામો, પ્રોસેસિંગ અને એક્સપોર્ટમાં રોકાણ ઓછું હોવાથી ખેડૂતોને લાભ નથી મળતો. આથી, બમ્પર પાક થાય તો ખેડૂતોને નુકસાન થાય છે. નવા બિલ હેઠળ આ ખામીઓ દૂર થશે.

        જોકે, ખેડૂતો અને વિપક્ષની ચિંતા છે કે તેનાથી ભાવમાં અસ્થિરતા આવશે. ફૂડ સિક્યોરિટી સંપૂર્ણપણે ખતમ થઈ જશે. રાજ્યોને એ ખબર જ નહીં હોય કે રાજ્યમાં કઈ વસ્તુનો કેટલો સ્ટોક છે. તેથી આવશ્યક વસ્તુઓની કાળાબજારી વધશે.હવે જોવાનું એ રહશે કે આ વિવાદ ને સરકાર કઈ રીતે થાળે પાડે છે અને વિપક્ષ અને દેશના ખેડૂતો કયા નિર્ણયો લે છે .