એજન્સી, નવી દિલ્હી

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાનો કેસ હાલમાં પણ શંકાસ્પદ સ્થિતિમાં યથાવત છે. વર્તમાનમાં સીબીઆઈ દ્વારા થઇ રહેલી તપાસ બાદ પણ આ કેસમાં કોઇ મહત્વની કડી સામે આવી નથી . બીજી બાજુ ઇડીએ આ કેસમાં મની લોન્ડ્રિંગની ફરિયાદ નોંધીને એક્ટરની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી તથા તેના પરિવારની પૂછપરછ હાથ ધરી છે. જોકે હાલ તપાસ દરમિયાન ઇડીના હાથે સુશાંતના બેન્ક એકાઉન્ટમાં થયેલી મોટી લેવડ દેવડનો ખુલાસો કર્યો છે.

ઇડીએ કહ્યુ કે, સુશાંતના બેન્ક એકાઉન્ટમાંથી 15 કરોડ રુપિયાની જંગી રકમનો ઉપાડ કરવામાં આવ્યો હતો, પરંતુ એ રોકડ કોને મળી છે અને ક્યાં ખર્ચ કરવામાં આવી એનો કોઇ હિસાબ હજુ મળ્યો નથી. ઈડી તપાસ કરી રહી છે કે સુશાંતના ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ અન્ય કોણ કરતુ હતું.

સુશાંત સિંહની આત્મહત્યા પછી 25 જૂલાઇએ સુશાંતના પિતાએ પટણામાં રિયા ચક્રવર્તી અને અન્ય વિરુદ્ધ એફઆરઆઇ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સુશાંતને આત્મહત્યા કરવા માટે આ લોકોએ દબાણ કર્યુ હતું ત્યાર બાદ તેના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધા હતા. આ એફઆઈઆર પછી ઈડીએ રિયા તથા વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો હતો.