આદિવાસી પરંપરા: દેવદિવાળીએ માટલામાં ઈંડાના ખોબચા,માથાના વાળ,મરચા અને ઘરમાં બનાવેલ વિવિધ વાનગીઓ મૂકીને ઘરમાંથી કાઢવાની આદિવાસીઓની અનોખી રીત “ખાહકોલો” શું છે? “ખાહકોલો” શા માટે કાઢવામાં આવે છે? “ખાહકોલો” ગામના ચાર રસ્તે જ કેમ ફોડવામાં આવે છે? વર્ષોથી કાઢવામા આવતી આ ખાહકોલા પરંપરા પાછળનું રહસ્ય શું છે? ઉપરના તમામ જવાબો માટે આ પુરેપુરૂ લખાણ અચૂકથી વાંચજો.

અમારા વિસ્તારમાં દિવાળીની ઉજવણી કરતાં નથી એમાં માત્ર ચૌદશની ઉજવણી કરે છે. સૌથી વધુ મહત્વ અમારે ત્યાં દેવદીવાળીનું છે. દેવ દિવાળી ગામમાં સૌ સારા હોય કોઈના ઘરે અણબનાવ ના બન્યો હોય એવા સમયે ગામ લોકો દ્વારા નક્કી થાય છે અને ત્યારે દેવ દિવાળી ઉજવે છે.દેવદિવાળી અમારે ત્યાં ત્રણ દિવસ ઉજવાય છે

આ ત્રણ દિવસ ઉજવાતી દેવ દિવાળીમાં વિવિધ પૂજાઓ પરંપરાગત રીતે કરવામાં આવે છે. એમાંની એક રીત “ખાહકોલા” વિશે ટૂંકી સમજ આપું છું. “ખાહકોલો” દેવ દિવાળીના બીજા દિવસે વહેલી સવારે કાઢવામાં આવે છે.જેમાં માટલામાં માથાના વાળ, ઈંડાનું ખોબછું (કાચલું), મરચા અને ઘરમાં બનાવેલ વિવિધ વાનગીઓ માટલામાં મૂકી ને વહેલી સવારે મળસ્કે માટલું લઇને એમાં નાની હાથ લાકડી વડે ધીરેથી ટપલી મારતા મારતા ટપ ટપ અવાજ કરતાં ઘરના તમામ ખૂણે ફરે છે અને માટલામાં ટપલી મારતા મારતા મોઢેથી બોલે છે.

ધરતી માં અને ચાંદ સુરજ બાપુ અને ખત્રી દેવ બાપુ મારા ઘરમાં જે કોઈ દુખ દમોણ – પીડા-દર્દ હોય એ માળવે જાય ચાંદા – ગુમડાં, ગીંગોળા માળવે જાય,જે દૂખ હોય એ માળવે જાય,ભૂતપ્રેત માળવે જાય એમ બોલતા બોલતા જાય છે અને ફળીયાની શેરીઓમાં જ્યાં ચોકડી પડતી હોય ત્યાં જોરથી કીકીયારી કુરુરરરર એમ કરીને જોરથી અથાડીને માટલું ફોડવામાં આવે છે અને તરત જ ફટાકડા ફોડીને અવાજ પણ કરવામાં આવે છે. ખાહકોલો કાઢીને પરત ફરતી વખતે પાછું ફરીને જોતા પણ નહીં

આ ખાહકોલો કાઢવાની વર્ષો જૂની પરંપરા પાછળનું રહસ્ય એ છે કે આ ખાહકોલો કાઢવાથી ઘરમાં રહેલ પીડા, દુઃખ-દર્દ તેમજ ઘરમાં રહેલ આસુરી શક્તિ, ઘરમાં રહેલો ક્લેહ – કંકાશ દૂર થાય છે.દેવદિવાળીમાં આ ખાહકોલા દ્વારા તમામ અશુભ શક્તિ ઘરમાંથી દૂર થાય છે અને નવી શરૂઆત થાય છે. એવી માન્યતા છે.

આ હજારો વર્ષોથી ચાલી આવતી અમારી બાપ દાદાઓની પરંપરા છે. અમે આધુનિકતા સાથે તાલ મેલ મિલાવીને આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ અમે અમારા બાપ દાદાઓની સંસ્કૃતિ જાળવી રાખી છે અને પેઢીઓ સુધી
સાચવીશું.

BY: નાંગેશભાઈ નાટડભા ક્વાંટ (ફેસબુક અહેવાલમાંથી માત્ર માહિતી માટે)


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here