ધરમપુર: નાગરિકોમાં ભારતીય બંધારણના મહત્વ, લોકશાહી મૂલ્યો અને બંધારણીય ફરજો પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશથી વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે 26 નવેમ્બરના રોજ ‘બંધારણ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત કેન્દ્રના સ્ટાફ સભ્યો દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌએ ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું સામૂહિક વાંચન કર્યું હતું.
આ ઉજવણી દરમિયાન મુલાકાતીઓ અને નાગરિકો માટે વિવિધ જ્ઞાનવર્ધક અને રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું: દસ્તાવેજી ફિલ્મનું પ્રદર્શન: ભારતીય બંધારણના ઇતિહાસ, તેની રચના પ્રક્રિયા અને મહત્વ અંગે માહિતી આપતી વિશેષ દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. પ્રશ્નોત્તરી સ્પર્ધા: મુલાકાતીઓમાં બંધારણ વિશેની સમજ વધે તે માટે પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 22 ભાષામાં ફ્લિપબુક: બંધારણની પ્રસ્તાવના અને તેના આદર્શોને સરળતાથી સમજવા માટે કિઓસ્ક પર હિન્દી સહિત 22 માન્ય ભાષાઓમાં ઉપલબ્ધ બંધારણ આધારિત ફ્લિપબુક વાંચવાની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. કલા અને સુલેખન પ્રદર્શન: ભારતીય બંધારણની કલાત્મક રચના, સુલેખન અને તેની વિવિધ વિશેષતાઓ દર્શાવતું વિશેષ પ્રદર્શન યોજાયું હતું.
કેન્દ્રની મુલાકાતે આવેલા નાગરિકો માટે પણ પ્રસ્તાવનાના વાંચનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધર્મેન્દ્રસિંહ પરિહાર (ધર્મુદાદા), આંગણવાડીની બહેનો સહિત મોટી સંખ્યામાં મુલાકાતીઓએ ઉત્સાહભેર જોડાઈને બંધારણીય મૂલ્યો અને આદર્શો વિશે માહિતી મેળવી હતી.











