વાંસદા: પોલીસ તંત્રની કાર્યપદ્ધતિ અને સત્તાના દુરુપયોગને લઈને ફરી એકવાર ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે. લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અનુસાર, ACP કક્ષાના એક પોલીસ અધિકારી દ્વારા હોટેલ તપાસ દરમિયાન પુખ્ત વયના એક યુગલને કથિત રીતે ધમકી આપવામાં આવી હોવાની ઘટનામાં લોકોના બંધારણીય અધિકારો અને પોલીસ પાસે રહેલા નશીલા પદાર્થોના જથ્થાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આક્ષેપો મુજબ, હોટેલ ચેકિંગ દરમિયાન એક પુખ્ત વયના કપલની પૂછપરછ કરવામાં આવી હતી. યુગલે સ્પષ્ટતા કરી હતી કે તેઓ પુખ્ત છે, એકબીજાને જાણે છે અને ટૂંક સમયમાં તેમની સગાઈ થવાની છે. તેમ છતાં, પોલીસ અધિકારીએ તેમના માતા-પિતાને સ્થળ પર બોલાવવા માટે દબાણ કર્યું હતું. આરોપ છે કે, જ્યારે યુગલે આ બાબતે આનાકાની કરી ત્યારે અધિકારીએ પોતાના સાથી કર્મચારીને કથિત રીતે એવો આદેશ આપ્યો હતો કે જો તેઓ માતા-પિતાને ન બોલાવે, તો તેમના પાકીટ કે પર્સમાં ગાંજો મૂકીને નાર્કોટિક્સનો કેસ કરી દેવામાં આવે.

આ ઘટનાના સંદર્ભમાં નાગરિકો અને સામાજિક કાર્યકરો દ્વારા બે મુખ્ય મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે: પુખ્ત વયના નાગરિકોની સ્વતંત્રતા: કાયદાકીય નિષ્ણાતોના મતે, ભારતીય બંધારણ મુજબ બે પુખ્ત વયના વ્યક્તિઓ પોતાની મરજીથી સાથે રહી શકે છે અને કોઈ પણ પોલીસ અધિકારી તેમને તેમના માતા-પિતાને બોલાવવા માટે કાયદેસર રીતે ફરજ પાડી શકે નહીં. નશીલા પદાર્થોની ઉપલબ્ધતા: નિયમ મુજબ, પોલીસ જ્યારે કોઈ પણ દરોડામાં ગાંજો કે અન્ય ડ્રગ્સ જપ્ત કરે છે, ત્યારે તેને કાયદેસરની પ્રક્રિયા હેઠળ ‘મુદ્દામાલ’ તરીકે સીલ કરીને લોકરમાં જમા કરાવવામાં આવે છે. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે કોઈ અધિકારી પાસે કોઈ નિર્દોષ વ્યક્તિના પર્સમાં મૂકવા માટે ગાંજો ક્યાંથી આવે? આ બાબતે બે શક્યતાઓ પર ચર્ચા થઈ રહી છે—કાં તો પોલીસને વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ડ્રગ્સના વેપારની જાણ છે, અથવા જપ્ત કરાયેલા મુદ્દામાલનો સંપૂર્ણ હિસાબ ચોપડે નોંધાતો નથી.

લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ચિંતા જો આ પ્રકારની કાર્યપદ્ધતિ ચાલુ રહેશે, તો સરકારની નીતિઓ કે પોલીસ પ્રશાસનની નિષ્ફળતા સામે અવાજ ઉઠાવતા સામાન્ય નાગરિકો અને તેમના પરિવારોને પણ ખોટા કેસોમાં ફસાવવાનો ડર રહેશે. પોલીસ તંત્રની આવી કથિત મનમાની સામાન્ય જનતાના અધિકારો અને લોકશાહીના મૂલ્યો સામે જોખમ ઊભું કરી રહી છે. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here