ધરમપુર: નિવૃત્તિ એટલે માત્ર નોકરીમાંથી મુક્તિ નહીં, પરંતુ સમાજ માટે કંઈક નવું કરવાની એક સુંદર તક છે. આ વાતને સાર્થક કરી બતાવી છે નિવૃત્ત શિક્ષક શ્રી નગીનભાઈ ગવળીએ. તેમણે લાભ પાંચમના શુભ દિને પોતાના વતન ધરમપુર તાલુકાના પાનસ ગામમાં લાઈબ્રેરીનો શુભારંભ કરીને શિક્ષણ અને સમાજસેવાની એક ઉમદા પહેલ કરી છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ સરકારી ફરજમાંથી નિવૃત્ત થયા બાદ પણ શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખવાના હેતુથી નગીનભાઈએ આ પ્રકલ્પ શરૂ કર્યો છે. આ લાઈબ્રેરી શરૂ થવાથી ગામના બાળકો, યુવાનો અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનના નવા દ્વાર ખુલશે. આ સુવિધાના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારમાં વાંચન સંસ્કૃતિનો વિકાસ થશે અને શિક્ષણ પ્રત્યે નવી જાગૃતિ આવશે.
આ પ્રસંગે Rainbow Warriors Dharampur ના કો-ઓર્ડિનેટર શંકરભાઈ એમ. પટેલે નગીનભાઈની આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે,એક શિક્ષક ભલે સરકારી ફરજમાંથી નિવૃત્ત થાય, પરંતુ સમાજને શિક્ષિત કરવાની તેની જવાબદારી ક્યારેય નિવૃત્ત થતી નથી. નગીનભાઈની આ પહેલ સાબિત કરે છે કે સાચી નિવૃત્તિ એ આરામ નહીં, પરંતુ પોતાના અનુભવ અને સમયનો સમાજના હિતમાં શ્રેષ્ઠ ઉપયોગ છે. સમગ્ર પંથકમાંથી નગીનભાઈ ગવળીની આ સેવાકીય ભાવના અને શિક્ષણ પ્રત્યેના સમર્પણને હૃદયપૂર્વક આવકારી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.











