અમદાવાદ: પોલીસ સ્ટેશનોમાં પારદર્શિતા અને કસ્ટોડિયલ સુરક્ષાના મુદ્દે ફરી એકવાર ગંભીર ચર્ચા જાગી છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા એક જાગૃત નાગરિકે વેજલપુર પોલીસ સ્ટેશનમાં CCTV કેમેરાની વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ મામલે તેમણે એક વીડિયો સંદેશ જાહેર કરીને નાગરિકોને પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં CCTV કેમેરાની સ્થિતિ તપાસવા માટે અપીલ કરી છે.
જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર, ભૂતકાળમાં તેમના પિતાનું વેજલપુર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. આ સંદર્ભે તેઓ તાજેતરમાં વેજલપુર પોલીસ સ્ટેશનના નવા PI વાઢેર સાહેબને મળવા ગયા હતા. મુલાકાત દરમિયાન તેમને જાણવા મળ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે કે, પોલીસ સ્ટેશનના ચોક્કસ રૂમમાં હજુ પણ CCTV કેમેરા લગાવેલા નથી.
આ ઘટના બાદ નાગરિકે વીડિયોના માધ્યમથી પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશો હોવા છતાં જો પોલીસ સ્ટેશનના તમામ રૂમમાં કેમેરા ન હોય, તો તે પારદર્શિતા અને જવાબદારીની દૃષ્ટિએ ગંભીર બાબત છે. કસ્ટોડિયલ ડેથ જેવી ઘટનાઓ રોકવા અને સામાન્ય નાગરિકોના અધિકારોના રક્ષણ માટે પોલીસ સ્ટેશનના દરેક ખૂણામાં CCTV કેમેરા કાર્યરત હોવા અત્યંત જરૂરી છે.
પોતાના વીડિયો સંદેશમાં તેમણે રાજ્યના તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના બંધારણીય અધિકારો અને જાહેર વ્યવસ્થા પ્રત્યે સજાગ બને. દરેક વ્યક્તિ પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જઈને CCTV કેમેરાની વ્યવસ્થા અંગે માહિતી મેળવે અને જ્યાં પણ ખામી જણાય ત્યાં યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા માટે ઉચ્ચ અધિકારીઓ અને જવાબદાર તંત્રનું ધ્યાન દોરે.











