ધરમપુર: ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામે ‘જય માવલી માતા યુવક મંડળ’ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા નવા વર્ષના શુભ અવસરે ‘નવાવર્ષ ઉત્સવ’ અંતર્ગત માવલી માતાના દરબારમાં એક ભવ્ય સામૂહિક આરતી અને ગરબા મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
નવા વર્ષના આ પાવન અવસરે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના સંયોજક તેમજ છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલ, માજી તાલુકા પંચાયત સભ્ય બિપિન માહલા તેમજ કલ્પેશ પટેલ, અવિનાશ પટેલ (મરઘમાળ), ચંદ્રકાન્ત પટેલ, સુનિલ પટેલ (બામટી) અને કાર્તિક (ખેરગામ) સહિતના અનેક માનવંતા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી.
રાત્રે 10 કલાકે શરૂ થયેલા આ ગરબા મહોત્સવમાં જાણીતા કલાકારો મેઘના પટેલ, અશોક ટાર્ઝન અને ગુલાબભાઈ & પાર્ટી (પીપલખેડ) ના સંગાથે ગરબાની ભારે રમઝટ જામી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ધર્મપ્રેમી જનતાએ સહકુટુંબ ઉપસ્થિત રહીને માતાજીના દર્શનનો લાભ લીધો હતો અને ગરબાની મોજ માણી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જય માવલી માતા યુવક મંડળના કિરણ પટેલ, વિજય પટેલ, શૈલેષ પટેલ, લાલુભાઈ પટેલ, રાજેશ પટેલ, જીતુભાઈ પટેલ, હેતલ પટેલ, કંચન પટેલ તથા નાની ઢોલડુંગરીના સમસ્ત ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.











