વલસાડ: તારીખ ૨૨ અને ૨૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ પડેલા ભારે વરસાદના કારણે ઉમરગામ તાલુકાના વિવિધ ગામોમાં આવેલ પૂરના પાણીથી ભારે તારાજી સર્જાઈ હતી. પૂરના કારણે ઘરો અને ઘરવખરીને મોટા પાયે નુકસાન થવા છતાં હજુ સુધી યોગ્ય નુકસાન વળતર ન મળતાં, આજે પૂર અસરગ્રસ્તોના હક માટે રજૂઆત કરવા જઈ રહેલા વલસાડ જિલ્લા કોંગ્રેસ ST સેલના પ્રમુખ રાહુલ પટેલ અને પોલીસ વચ્ચે કલેક્ટર કચેરી બહાર ઉગ્ર ઘર્ષણ અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા.
ઉમરગામ તાલુકાના મોજે અંકલાસ (આંબાતપાડા, પારસીપાડા, વડીપાડા, ગઢેરપાડા, ગુરુડપાડા, નવલુંપાડા, વાણીયાપાડા), નગવાસ (પારસીપાડા, માંગાતપાડા, પટેલપાડા, પ્રથમપાડા) તેમજ ઝરોલી (ગુરુડપાડા, સોની ફળિયા) અને ભીલાડ ગામના વિસ્તારોમાં ૨૨-૨૩ જુલાઈ ૨૦૨૬ દરમિયાન અચાનક પૂરના પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે કાચા-પાકા મકાનો, ઝૂંપડાં અને ઘરવખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા ‘ચોમાસું-૨૦૨૬’ અંતર્ગત નુકશાન વળતર સહાયની જાહેરાત કરાઈ હતી અને સ્થાનિક તલાટી કમ મંત્રી દ્વારા સ્થળ પંચનામું (પંચકયાસ) પણ કરવામાં આવ્યું હતું. જોકે, ગ્રામજનોનો આક્ષેપ છે કે ખરેખર થયેલા નુકસાન મુજબ વળતર મળ્યું નથી અને મોટાભાગના પૂર અસરગ્રસ્તો સહાયથી વંચિત રહ્યા છે. અસરગ્રસ્ત ગ્રામજનોએ આ અંગે સ્થાનિક તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી (TDO) ઉમરગામ તેમજ મામલતદારશ્રી ઉમરગામને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. પરંતુ તંત્ર દ્વારા આ રજૂઆતોને ધ્યાને લેવામાં આવી ન હતી કે યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું ન હતું.
કલેક્ટર કચેરી બહાર વલસાડ પોલીસ અને રાહુલ પટેલ વચ્ચે તું-તું મૈં-મૈં અને બોલાચાલી
સરકારની આ નીતિ સામે અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે, ગામોના ઘરોના નુકસાન અંગે પુનઃ ચકાસણી/પંચકયાસ કરી યોગ્ય વળતર આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપવા વલસાડ જિલ્લા કોંગ્રેસ ST સેલના પ્રમુખ રાહુલ પટેલ કલેક્ટર કચેરી તરફ જઈ રહ્યા હતા.
તે દરમિયાન વલસાડ પોલીસે તેમને કલેક્ટર કચેરી બહાર જ અટકાવતા મામલો ગરમાયો હતો. આ સમયે પોલીસ અને રાહુલ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી, “તું-તું મૈં-મૈં” અને ધક્કામુક્કી થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. પોલીસે રાહુલ પટેલની અટકાયત કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ આ મુદ્દે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને વળતરથી વંચિત પૂર અસરગ્રસ્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.











