ધરમપુર: વન્યજીવન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે ગીધ સંરક્ષણ વિષય પર આધારિત વિશેષ ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘જટાયુ’નું સ્ક્રિનિંગ યોજાયું હતું. આ પ્રેરણાદાયી ડોક્યુમેન્ટરી ફિલ્મ વાપી નજીકના લવાછા ગામના આદિવાસી યુવક જીજ્ઞેશ હળપતિ અને અભિજીત નિકોસે દ્વારા તૈયાર કરવામાં આવી છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ ફિલ્મમાં ગીધોના પર્યાવરણીય મહત્ત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ગીધોને પર્યાવરણના ‘કુદરતી સફાઈ કર્મચારી’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ મૃત પ્રાણીઓના અવશેષોનું ભક્ષણ કરીને રોગચાળો ફેલાતો અટકાવે છે અને પરિસ્થિતિકી તંત્ર (Ecosystem)નું સંતુલન જાળવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. ગીધોની ઘટતી જતી સંખ્યાથી પર્યાવરણ પર પડતી ગંભીર અસરો અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ ફિલ્મ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.

આ સ્ક્રિનિંગ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પર્યાવરણ પ્રેમીઓ મળીને કુલ ૭૫ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મ દર્શાવ્યા બાદ ગીધ સંરક્ષણની તાતી જરૂરિયાત અને તેના સંવર્ધન માટે લેવાના થતા જરૂરી પગલાંઓ વિશે અરસપરસ ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી. વન્યજીવન સપ્તાહ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જનસમુદાયમાં વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા વધારવાનો રહ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here