વાંસદા: વાંસદા તાલુકામાં સમગ્ર વિસ્તારને કંપાવી મૂકે તેવી એક અત્યંત દુખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભીનાર ગામના કુંભાર ફળિયામાં ગત રાત્રિના સમયે પોતાના ઘરના આંગણામાં માતા સાથે ટોયલેટ કરવા નીકળેલા ‘આરવ’ નામના માસૂમ બાળાક પર માનવભક્ષી દીપડાએ અચાનક ત્રાટકીને તેને ઉપાડી લીધો હતો. આ ઘટના બનતાં જ માતાની ચીસાચીસથી સમગ્ર ફળિયું ધ્રૂજી ઊઠ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ બનાવની જાણ થતાં જ ગ્રામજનો, વન વિભાગની ટીમ તેમજ સ્થાનિક રાજકીય નેતાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મોડી રાત સુધી ચાલેલી ભારે શોધખોળ બાદ બાળકની ક્ષત-વિક્ષત હાલતમાં લાશ નજીકની ઝાડીઓમાંથી મળી આવી હતી. બાળકના મૃત્યુના સમાચાર મળતાં જ પરિવારજનોમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે અને સમગ્ર વાંસદા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુખદ પ્રસંગે વન વિભાગના અધિકારીઓ, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, ભાજપના નેતા લોચનશાસ્ત્રી તથા વિવિધ કાર્યકર્તાઓ પરિબળ બનીને બાળકની શોધખોળમાં જોડાવા પહોંચ્યા હતા.
ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે: “આ ઘટના અત્યંત કાળજું કંપાવી દે તેવી અને દુખદ છે. એક નિર્દોષ માસૂમ બાળકે આ રીતે પોતાનો જીવ ગુમાવ્યો તે ખૂબ જ વેદનાદાયક છે. હું પીડિત પરિવારની દુખની આ ઘડીમાં સાથે છું. વન વિભાગ તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં પાંજરાં મૂકીને માનવભક્ષી દીપડાને પાંજરે પૂરે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લે.”
ભાજપના નેતા લોચનશાસ્ત્રીએ કહ્યું કે: ભીનાર ગામમાં બનેલી આ ઘટનાથી આપણું સૌનું હૃદય દ્રવી ઊઠ્યું છે. બાળકના પરિવાર પર આવી પડેલા દુખના પહાડને સહન કરવાની ઈશ્વર શક્તિ આપે. સ્થાનિક લોકોના જીવનું રક્ષણ થાય તે માટે વન વિભાગ અને તંત્ર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી છે.
અંતરિયાળ ગામોમાં સતત વધતા દીપડાના ત્રાસને કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ માનવભક્ષી દીપડાને વહેલી તકે પાંજરે પૂરવાની ઉગ્ર માંગ કરી છે.











