વાંસદા: નવસારી જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા પ્રશંસનીય કામગીરી કરતા પીપલખેડ ગામને વર્ષ 2024-25 માટે ‘ટીબી મુક્ત પંચાયત’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપલબ્ધિ બદલ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ગામના સરપંચ કમલેશ માહલાને વિશેષ સન્માન પત્ર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ પીપલખેડ ગામને ક્ષય (TB) મુક્ત બનાવવા માટે હાથ ધરાયેલા સઘન સર્વેક્ષણ, જાગૃતિ અભિયાન અને દર્દીઓને પૂરી પાડવામાં આવેલી યોગ્ય સારવારના પરિણામે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ગામના આગેવાનો અને સરપંચે આ સફળતાનો શ્રેય આરોગ્ય ટીમ અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોને આપ્યો હતો.
આ ઉજવણી અને પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમમાં ગામના સરપંચ કમલેશ માહલા, નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી ગણપતભાઈ માહલા, તાલુકા પંચાયત સભ્ય જયશ્રીબેન માહલા, દશરથભાઈ ભોયા, રમેશભાઈ ડી. પટેલ, વિજયભાઈ ચૌધરી, ડેપ્યુટી સરપંચ કિશોરભાઈ, ગ્રામ પંચાયતના તલાટી અંકિતા પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામ આગેવાનો અને આરોગ્ય કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.











