ધરમપુર: તાલુકાના બામટી ગામ નજીકથી પસાર થતી માન નદીમાં ફરી એકવાર કેમિકલ છોડવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ ઊઠી છે. નદીના પ્રવાહમાં કેમિકલ ભળતાં પાણી પ્રદૂષિત થયું છે, જેના કારણે જળચરો અને પર્યાવરણને નુકસાન થવાની સાથે આસપાસના વિસ્તારના ખેડૂતોના પાક અને ખેતીને પણ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
સ્થાનિક સૂત્રો અને ફરિયાદ મુજબ, માન નદીમાં કેમિકલ છોડવાની આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવી ઘટનાઓ બની હોવાના આક્ષેપો વચ્ચે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની ભૂમિકા અને કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. આ મામલે તાત્કાલિક અસરથી સ્થળ પર તપાસ કરવામાં આવે, નદીના પાણીના નમૂના લઈ પૃથ્થકરણ કરવામાં આવે અને આ કેમિકલ ક્યાંથી તથા કોના દ્વારા છોડવામાં આવે છે તે શોધી કાઢી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
નદી એ કોઈની ખાનગી મિલકત નથી, પરંતુ પ્રકૃતિ અને સમગ્ર જનતાની અમૂલ્ય સંપત્તિ છે. ત્યારે નદીમાં પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવી ખેડૂતોના હિત અને પર્યાવરણનું રક્ષણ કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.











