વલસાડ: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પેઢીઓથી ચાલતી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા અને જૂની મહેસૂલી નોંધોના કારણે અનેક વડીલોપાર્જિત જમીનોના 7/12 અને 8-A ના રેકોર્ડમાં માત્ર કુટુંબના વડા કે મોટાભાઈનું નામ જ નોંધાયેલું છે. વાસ્તવિક રીતે જમીનમાં અન્ય ભાઈ-બહેનો અને કાયદેસરના સહ-વારસદારોનો હક હોવા છતાં તેમના નામ સરકારી ચોપડે ચડ્યા નથી. આ ગંભીર મુદ્દે અગાઉ રજૂઆતો કરવા છતાં કોઈ જમીની ઉકેલ ન આવતાં, સમસ્ત આદિવાસી સમાજના યુવા આગેવાન અને જાણીતા સર્જન ડૉ. નિરવ ભુલાભાઈ પટેલે મુખ્યમંત્રી અને સંબંધિત વિભાગને પત્ર લખી 10 દિવસમાં “આદિવાસી જમીન હક વિશેષ ઝુંબેશ” શરૂ કરવા અલ્ટીમેટમ આપ્યું છે. જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો જિલ્લા કક્ષાએ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

ડૉ. નિરવ પટેલે જણાવ્યું છે કે, મહેસૂલી રેકોર્ડમાં નામ ન હોવાને કારણે ગરીબ આદિવાસી ખેડૂતોને ખેતી સંબંધિત સરકારી યોજનાઓ, બેંક ધિરાણ કે નાણાકીય સહાય મેળવવામાં ભારે અડચણો આવી રહી છે. પોતાની જ વડીલોપાર્જિત જમીન પર કાયદેસર હક સાબિત કરવા માટે આદિવાસીઓએ સરકારી કચેરીઓના વારંવાર ધક્કા ખાવા પડે છે. “સાહેબ મીટિંગમાં છે, પછી આવજો” જેવા જવાબો હવે ચલાવી લેવાશે નહીં. આનાથી ગરીબ પરિવારો પર આર્થિક અને માનસિક બોજ વધી રહ્યો છે.

1996 ના પરિપત્રના અમલ અને સુધારા અંગેની મુખ્ય માંગણીઓ: 1996 ના પરિપત્રનો અમલ: મહેસૂલ વિભાગના તારીખ 15-03-1996 ના પરિપત્ર (ક્રમાંક: 5-005-2704-4) મુજબ આદિવાસી વિસ્તારોમાં રિવાજી રીતે મોટા સભ્યનું નામ હોય ત્યાં અન્ય પાત્ર સહ-વારસદારોના નામ દાખલ કરવાની સ્પષ્ટ જોગવાઈનો ત્વરિત અમલ કરવો. સમયબદ્ધ નિકાલ: પ્રક્રિયાને સરળ બનાવવા માટે “એક અરજી — એક અધિકારી — એક ટ્રેકિંગ નંબર — સમયબદ્ધ નિર્ણય” ની વ્યવસ્થા ઊભી કરી વધુમાં વધુ 90 દિવસમાં કેસનો નિકાલ કરવો. વિશેષ મહેસૂલ ન્યાય કેમ્પ: વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત જેવા આદિવાસી વિસ્તારોમાં તાલુકાવાર વિશેષ કેમ્પ યોજવામાં આવે. ખાસ જનસુનાવણી: સોમવાર અને મંગળવારના દિવસોને ખાસ “આદિવાસી જમીન હક જનસુનાવણી” માટે અનામત રાખવામાં આવે જેથી ખેડૂતોને કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે. ઓનલાઈન ટ્રેકિંગ અને જવાબદારી: વચેટિયા પ્રથા નાબૂદ કરવા દરેક અરજી માટે ઓનલાઈન tracking system શરૂ કરાય. સંપૂર્ણ દસ્તાવેજો હોવા છતાં વિલંબ કરનાર અધિકારીઓની જવાબદારી નક્કી કરી તલાટી અને મહેસૂલી કર્મચારીઓ માટે નવી SOP જાહેર કરવામાં આવે. 73-AA નું રક્ષણ: 73-AA ના કાયદાકીય સંરક્ષણ સાથે સાચા આદિવાસી વારસદારોના હકની યોગ્ય નોંધણી કરવામાં આવે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here