વાંસદા: DECISION NEWS દ્વારા પ્રકાશિત અહેવાલ બાદ વાંસદા તાલુકાના 20 થી વધુ ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે ચર્ચા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો સતત ફોન અને મેસેજ કરીને પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે અને આંકડા જુગારના દૂષણને ઉઘાડું પાડવા માટે પોલીસ તથા વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે.
લોકોમાં ભારે રોષ અને ગ્રાઉન્ડ રિપોર્ટિંગની માંગ: સ્થાનિક લોકોનું કહેવું છે કે, જે ગામોમાં ખુલ્લેઆમ આંકડાનો જુગાર રમાઈ રહ્યો છે, ત્યાં જઈને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવું અત્યંત જરૂરી બન્યું છે. એટલું જ નહીં, ગ્રામજનો જણાવે છે જે ગામમાં જુગાર રમાઈ છે તેને બંધ કરવાની જવાબદારી પ્રથમ સરપંચશ્રી છે તો DECISION NEWS દ્વારા ગામના સરપંચનું અને જુગાર રમનારા પરિવારની સ્થિતિ અને તેમના પરિવારના સભ્યો સાથે શક્ય હોય તો વાતચીત કરીને તમામ સત્ય પોલીસ અને જનતા સમક્ષ મૂકવું જોઈએ.
પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો: લોકોમાં એવો સુર ઉઠી રહ્યો છે કે નવસારી કે વાંસદાની પોલીસ પોતાની ફરજ સમજીને આંકડા જુગારના માલેતુજાર બની બેઠેલા આકાઓને જેલના સળિયા પાછળ ધકેલશે એવા કોઈ અણસાર દેખાતા નથી. સ્થાનિકોએ આકરા શબ્દોમાં આક્ષેપ કર્યો છે કે પોલીસના અમુક અધિકારીઓ આવા અસામાજિક તત્વો પાસેથી નિયમિત હપ્તા લઈને ગુલામ બની બેઠા છે, જેને કારણે આવા ગેરકાયદેસર ધંધાઓ બેફામ ફૂલીફાલી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું છે કે આ અહેવાલ અને જનતાના ભારે આક્રોશ બાદ પોલીસ તંત્ર જાગે છે કે પછી આવા માલેતુજાર આકાઓને રક્ષણ આપવાનું ચાલુ રાખે છે.











