સંતરામપુર: મહીસાગર જિલ્લાના સંતરામપુર વિસ્તારથી ભામરી કુંડા થઈને ઐતિહાસિક અને આદિવાસી સમાજની આસ્થાના કેન્દ્ર માનગઢ ધામ તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા એક વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં બંધ હોવાના કારણે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે આ રોડનો મોટો ભાગ ધોવાઈને ખીણમાં ધસી ગયો હતો. એ સમયે એક કાર ખીણમાં ખાબકતાં રહી ગઈ હતી અને મુસાફરોએ માંડ જીવ બચાવ્યો હતો. આટલી ગંભીર ઘટના બનવા છતાં આજદિન સુધી રસ્તાનું કાયમી સમારકામ કરવામાં આવ્યું નથી. આ સંવેદનશીલ મુદ્દે સમસ્ત આદિવાસી સમાજના યુવા આગેવાન અને ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડૉ. નિરવ પટેલે મુખ્યમંત્રી કાર્યાલય તેમજ માર્ગ અને મકાન વિભાગના સચિવને પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે એક વર્ષ વીતી જવા છતાં પુનઃનિર્માણ શા માટે અટકાવવામાં આવ્યું છે અને આ વિલંબ પાછળ કયા સ્તરની વહીવટી બેદરકારી જવાબદાર છે.
લાખો શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો હાલાકીમાં માનગઢ ધામ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના લાખો આદિવાસી શ્રદ્ધાળુઓ માટે ધાર્મિક આસ્થાનું સર્વોચ્ચ કેન્દ્ર છે. રસ્તો બંધ હોવાના કારણે અહીં આવતા હજારો યાત્રાળુઓ, વૃદ્ધો અને મહિલાઓને લાંબા વૈકલ્પિક માર્ગો પરથી જવું પડે છે. આ ઉપરાંત, સ્થાનિક ગ્રામજનોની દૈનિક અવરજવર ખોરવાઈ છે અને કટોકટીના સમયે એમ્બ્યુલન્સ સેવાઓ પહોંચવામાં પણ મોટી અડચણ ઊભી થઈ રહી છે.








