સામરપાડા: સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે આશ્રમશાળા સામરપાડા ખાતે ઉત્સાહભેર ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના બાળકો, શિક્ષકો અને ગ્રામજનોની સહભાગીદારીથી સમગ્ર ગામમાં એક ભવ્ય અને ઉત્સાહવર્ધક સાંસ્કૃતિક રેલી કાઢવામાં આવી હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ રેલી બાદ યોજાયેલા મુખ્ય સ્ટેજ કાર્યક્રમનો પ્રારંભ આદિવાસી પરંપરા મુજબ વિધિવત્ પૂજન-અર્ચન કરીને કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પૂજનીય દેવમોગરા માતા, ક્રાંતિવીર બિરસા મુંડા, તાત્યા ભીલ અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પિત કરવામાં આવ્યા હતા.
ઉજવણીના મુખ્ય આકર્ષણો: કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી તથા વાલીગણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી સંપૂર્ણ પારંપરિક આદિવાસી વેશભૂષા ધારણ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જે સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યા હતા અને બાળકોનો ઉત્સાહ બેવડાવ્યો હતો, આશ્રમશાળાના વિદ્યાર્થીઓએ આદિવાસી સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરતા વિવિધ પરંપરાગત નૃત્યો અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા. આ ભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનોએ હાજરી આપી બાળકોની પ્રસ્તુતિને બિરદાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.











