માંડવી: આજરોજ માંડવી તાલુકાના કસાલ ગામે આદિવાસી સમાજનો ખેતીકામ આધારિત લોકપ્રિય તહેવાર ‘દિવાસો’ (બિમહા) શ્રદ્ધા, ભક્તિ અને આનંદ-ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. આદિવાસી સંસ્કૃતિમાં ડાંગરની રોપણી પૂર્ણ થયા બાદ ખેતીકામ હળવું થવાની ખુશીમાં આ પર્વ ઉજવવામાં આવે છે, જેને ‘બિ બિવળાણે પરબ’ એટલે કે બિયારણના ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

દિવાસો આવતા સુધીમાં ખેતરમાં વાવેલા મકાઈ, ડાંગર અને તુવેરના પાકની નવી કૂંપણો ફૂટી નીકળતી હોય છે. પાકનો સારો ઉતારો આવે તે હેતુથી ગામના પૂજારાઓ દ્વારા ગામમાં બિરાજમાન ‘હિમારયા દેવ’ની વિધિવત્ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ ઉપરાંત, આદિવાસી લોકો પોતાના પૂર્વજો (ખત્રીજો) નું પણ વિશેષ પૂજન કરી તેમને યાદ કરે છે. સમાજમાં એવી દ્રઢ માન્યતા છે કે પૂર્વજોના આશીર્વાદથી જ ખેતી સમૃદ્ધ થઈ છે અને સારું ઉત્પાદન પ્રાપ્ત થાય છે.

પરંપરા અને સાંસ્કૃતિક મહત્વ:  દિવાસાની આગલી રાત્રે સમગ્ર ગામમાં ઉજાણીનું આયોજન કરવામાં આવે છે, જ્યાં લોકો એકત્ર થઈને પૂર્વજોનું સ્મરણ કરે છે. આદિવાસી પરંપરા મુજબ લગ્ન પછીનો પ્રથમ દિવાસો દીકરી પોતાના પિયરમાં ઉજવે છે. આ માટે નવવધૂઓ આગલા દિવસે જ મા-બાપના ઘરે પહોંચી જાય છે. દિવાસાના દિવસથી સૂર્ય વાદળો પાછળ ઢંકાયેલો રહે છે અને પ્રકૃતિ ખીલી ઊઠે છે. આ સમયે ખીલતી નવી કૂંપણો, વેલ, ફળ અને ફૂલને તોડવા નહીં તેમજ તેમનો નાશ ન કરવાનો સંકલ્પ આદિવાસી સમુદાય દ્વારા લેવામાં આવે છે. આમ, કસાલ ગામે કૃષિ સંસ્કૃતિ, પ્રકૃતિ પ્રેમ અને પૂર્વજો પ્રત્યેની આસ્થા પ્રદર્શિત કરતા આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here