ડાંગ: સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) દ્વારા ઘોષિત ‘વિશ્વ આદિવાસી દિવસ’ અંતર્ગત આદિવાસી યુવા મંડળ, જામન્યામાળના સહયોગથી જામન્યામાળ ગામ ખાતે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવવંતા ઇતિહાસને બિરદાવવા માટે એક વિશેષ અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

દિવસની શરૂઆતમાં આદિવાસી યુવા મંડળના સભ્યો દ્વારા પર્યાવરણ જતનના સંદેશ સાથે ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને જાહેર સ્થળોની સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. ત્યારબાદ, આદિવાસી સમાજની એકતા અને ગૌરવના ગગનભેદી નારાઓ સાથે એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ગામના મુખ્ય માર્ગો પર આકર્ષણનું કેન્દ્ર બની હતી.

બપોરે સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું હતું. જેમાં સૌપ્રથમ પધારેલા મહેમાનો અને ગામના વડીલોનું પરંપરાગત શૈલીમાં સ્વાગત યુવા મંડળના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. ગામની નાની બાળાઓએ આ પ્રસંગે સુંદર ડાન્સ રજૂ કરીને સૌ મંત્રમુગ્ધ કર્યા હતા. સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે અને બાળકો આગળ ભણીને સમાજના કાર્યોમાં સહકારરૂપ બને તેવા ઉમદા હેતુથી, આદિવાસી યુવા મંડળ તરફથી ગામના ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ ગુણો સાથે ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ યુવા મંડળના સભ્ય અને ગાઢવી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી રાવીન્દ્રભાઈ ખૈરાડ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવી વાલીઓને બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે પ્રેરિત કર્યા હતા.યુવા મંડળના પ્રમુખશ્રી જમસભાઈ વાઘમારે દ્વારા ઉપસ્થિત વિશાળ જનસમુદાયને આદિવાસી દિવસનું મહત્વ, બંધારણીય હકો અને અધિકારો વિશે ખૂબ જ સરળ શૈલીમાં વાકેફ કરી જાગૃત કર્યા હતા.

આ ભવ્ય ઉજવણીમાં હાજર રહેલા સમગ્ર જનસમુદાય માટે આદિવાસી યુવા મંડળ દ્વારા આદિવાસીઓની પરંપરાગત અને પૌષ્ટિક વાનગી ‘ઘાટા’ના ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન પરંપરાગત ‘કાહાળ્યા નૃત્ય’ના તાલે સૌ ઝૂમી ઉઠ્યા હતા અને ભારે ઉત્સાહભર્યા માહોલમાં કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here