રાજપીપળા: સુરત અને અમદાવાદ જેવા શહેરોના વાતાનુકૂલિત (AC) કાર્યાલયોમાં બેસીને ભાજપના સાંસદ મનસુખ વસાવાને સલાહ આપનારા આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સામે આદિવાસી પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મનોજ સોરઠિયાએ તાજેતરમાં મનસુખ વસાવાને ભાજપ છોડીને ધારાસભ્ય ચૈતર વસાવા જેવા બની આદિવાસીઓના સમર્થનમાં લડાઈ લડવાની સલાહ આપી હતી. જોકે, આ નિવેદન સામે હવે આદિવાસી સમાજના લોકોએ સોરઠિયા સામે જ સીધા સવાલો ઊભા કર્યા છે.
એસી ઓફિસ છોડીને ક્યારેય નર્મદા આવ્યા છો? સ્થાનિક લોકો અને આદિવાસી અગ્રણીઓ મનોજ સોરઠિયાને સવાલ પૂછી રહ્યા છે કે: શું તમારું કામ માત્ર એસી ઓફિસમાં બેસીને પ્રવચનો અને સલાહ-સૂચનો આપવાનું જ છે? પાર્ટીના રાજકીય કાર્યક્રમો કે મિટિંગો સિવાય ક્યારેય તમે આદિવાસી વિસ્તારના પૂરગ્રસ્ત લોકોની વહારે આવ્યા છો? વન વિભાગ કે પોલીસ તંત્ર દ્વારા થતા અન્યાય સામે ક્યારેય રસ્તા પર ઉતરીને લડત આપી છે? આદિવાસી ખેડૂતોને પાક કે જમીનના વળતર અપાવવા માટે કઈ રેલી કે આંદોલન કર્યું છે?
‘અનામત’ જેવા મહત્વના મુદ્દે મોઢામાં મગ ભરીને કેમ બેઠા છો? આદિવાસી સમાજના લોકોનો આરોપ છે કે, જ્યારે આદિવાસીઓના અધિકારો અને ‘અનામત હટાવો’ જેવા અતિ સંવેદનશીલ વિષયો પર ચર્ચા થાય છે, ત્યારે મનોજ સોરઠિયા જેવા નેતાઓ મોઢામાં મગ ભરીને બેસી રહે છે. મોંઘી ગાડીઓમાં ફરીને અને એસી કચેરીઓમાં બેસી નીચલા સ્તરના કાર્યકરોને માત્ર હુકમ કરવાથી આદિવાસીઓની સમસ્યાઓ ઉકેલાતી નથી.
રાજકીય રોટલા શેકવા કરતાં પાયાનું કામ કરો સ્થાનિકોનું કહેવું છે કે, ભાજપ કે તેના નેતાઓને ગાળો દેવાથી અથવા તેમને વખાડવાથી આદિવાસી મજૂરો, ખેડૂતો કે ગરીબ વિદ્યાર્થીઓની સમસ્યાઓ દૂર થવાની નથી. આદિવાસી સમાજના ગરીબ વિદ્યાર્થીઓ અને શાળા-કોલેજોમાં થતા અન્યાય વિશે બોલવા માટે નેતાઓએ જમીન પર આવીને કામ કરવું પડે છે. સમાજનું સ્પષ્ટ માનવું છે કે કોઈ પણ આદિવાસી નેતા કે લોકપ્રતિનિધિ વિશે ટિપ્પણી કરતા પહેલાં AAPના રાષ્ટ્રીય કે પ્રદેશ કક્ષાના નેતાઓએ આદિવાસી વિસ્તારોમાં આવીને વાસ્તવિક કામગીરી દર્શાવવી જોઈએ, નહીં કે માત્ર રાજકીય નિવેદનબાજી કરવી.











