ઉમરગામ: આજરોજ ઉમરગામ તાલુકામાં તાજેતરમાં આવેલા પૂર બાદ અસરગ્રસ્ત અંકલાસ, નગવાસ અને ઝરોલી ગામોમાં માનવસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળ્યું છે. જિલ્લા માહિતી કચેરીની ટીમ, સ્થાનિક વહીવટી તંત્ર તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને દાતાશ્રીઓના સંયુક્ત સહયોગથી આ ત્રણ ગામોના 13 જેટલા ફળિયાઓમાં રહેતા 1500 થી વધુ પૂર અસરગ્રસ્ત લોકોને સમયસર રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ રાહત કામગીરી દરમિયાન પૂરથી પ્રભાવિત જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટ, વસ્ત્રો, નાસ્તો તેમજ શુદ્ધ પીવાના પાણી સહિતની તમામ આવશ્યક ચીજવસ્તુઓનું સુચારુ વિતરણ કરવામાં આવ્યું હતું. પૂરના કારણે કુટુંબોની ઘર-વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે, ત્યારે બાળકોના અભ્યાસમાં કોઈ વિઘ્ન ન આવે તે બાબતને ધ્યાનમાં રાખીને એક ખાસ કાળજી લેવામાં આવી હતી. આ પ્રશ્નને વાચા આપતાં પૂર અસરગ્રસ્ત પરિવારોના બાળકો માટે 850થી વધુ નવા સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી બાળકો પુનઃ ઉત્સાહ સાથે પોતાની શાળાએ જઈ શકે.

આ સમગ્ર રાહત કામગીરી દરમિયાન સ્થાનિક તંત્ર, સ્વયંસેવકો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓએ ખૂબ જ સુંદર આયોજન સાથે અસરગ્રસ્ત વિસ્તારોના ખૂણે-ખૂણે પહોંચીને સેવા પૂરી પાડી હતી. આ કપરી પરિસ્થિતિમાં યોગ્ય સમયે જરૂરી સહાય મળી રહેતાં પૂરપીડિત પરિવારોમાં ભારે રાહત અને સંતોષની લાગણી જોવા મળી હતી. મુશ્કેલીના આ સમયે મદદે આવેલા ગુજરાત સરકાર, વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને તમામ સેવાભાવી સંસ્થાઓનો પૂર અસરગ્રસ્ત ગ્રામજનોએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here