રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા, તેમનાં ધર્મપત્ની અને પરિવારજનો તેમજ આદિવાસી સમાજના ખેડૂતો સામે નોંધાયેલા કેસમાં એક મહત્વના કાનૂની સમાચાર સામે આવ્યા છે. નામદાર હાઇકોર્ટ દ્વારા ચૈતર વસાવાના પત્નીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
જામીન મળ્યા બાદ તેઓ જેલમાંથી બહાર આવતા જ લોકોમાં ખુશીની લહેર ફરી વળી હતી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શંકુન્તલા વસાવાનું કહેવું હતું કે ભાજપ સરકારે આદિવાસી સમાજના અવાજને દબાવવા માટે ચૈતરભાઈ, તેમના પરિવાર અને ખેડૂતોને ખોટા કેસમાં ફસાવીને અન્યાય કર્યો હતો. પરંતુ ન્યાયતંત્ર પર અમને પૂરો ભરોસો હતો અને આજે સત્યની જીત થઈ છે. અમને પૂરો વિશ્વાસ છે કે ખૂબ જલ્દી ચૈતર વસાવા પણ જેલમાંથી બહાર આવશે અને આદિવાસી સમાજના હક્કની લડાઈ ફરી મજબૂતીથી લડશે.
કાર્યકરોમાં આ જામીન બાદ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજના લોકો આ નિર્ણયને અન્યાય સામે ન્યાયની પ્રથમ જીત ગણાવી રહ્યા છે અને ધારાસભ્ય ચૈતર વસાવાની વહેલી તકે જેલમુક્તિની આશા વ્યક્ત કરી રાહ રહ્યા છે.











