કપરાડા : કપરાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. આજરોજ કપરાડા તાલુકાના ગવટકા ગામે ડુંગર ધસી પડવાની એક દુઃખદ ઘટના સામે આવી છે. ગવટકા ખાતે રહેતા 46 વર્ષીય ગણેશભાઈ જાનુભાઈ વળવીના 10 સભ્યોના પરિવારના ઘર સામેનો ડુંગર અચાનક ધસી પડતા સમગ્ર મકાનમાં માટીનો કાટમાળ ભરાઈ ગયો હતો.
આ અકસ્માતમાં ઘરમાં રાખેલું અનાજ, કઠોળ, કપડાં, રસોડાની સામગ્રી અને રૂ. 20,000 ની રોકડ રકમ માટી નીચે દટાઈ ગઈ હતી. આ ઉપરાંત, કુદરતી આફતમાં ખેતરના 10 વર્ષ જૂના 40 જેટલા આંબાના ઝાડ તથા કારેલાનો આખો મંડપ પણ જમીનદોસ્ત થઈ ગરકાવ થઈ ગયો છે. આ કુદરતી હોનારતની જાણ થતાં જ આમ આદમી પાર્ટીના પ્રદેશ સહ-સંગઠન મંત્રી જયેન્દ્ર ગાંવિત તથા ધીરુભાઈ બી. ઠાકરિયાએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને પીડિત પરિવારની મુલાકાત લીધી હતી.
તેમણે સ્થિતિની સમીક્ષા કરીને સંબંધિત સરકારી અધિકારીઓ ત્વરિત સ્થળ પર આવે, યોગ્ય સર્વે કરે અને પીડિત ગણેશભાઈના પરિવારને યોગ્ય સરકારી વળતર મળે તે માટે સરકાર સમક્ષ મજબૂત ભલામણ કરી હતી. વધુમાં કહ્યું કે કપરાડા અને નાનાપોંઢા વિસ્તારના માતુનિયા (સીવણ ફળિયા), મેનધા, ગવટકા અને વરવટ સહિતના અનેક ગામોમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું છે. તાલુકા અને જિલ્લાના ખેતીવાડી તથા બાગાયત અધિકારીઓ તાત્કાલિક તમામ અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે હાથ ધરે અને કુદરતી આફતનો ભોગ બનેલા પરિવારને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડે તે અત્યંત જરૂરી છે.
ભારે વરસાદને કારણે માત્ર ગવટકા જ નહીં પરંતુ આસપાસના સીવણ, મેનધા, વરવટ વગેરે ગામોમાં પણ લોકોના ઘરો અને ખેતરોમાં ભારે નુકસાન થયું છે. તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.











