વેડછી: ગાંધી વિચારધારા અને ગ્રામ સ્વરાજ્યના આદર્શોને પ્રોત્સાહન આપતું પુસ્તક “મેંઠા ગામની વાત”નું ભવ્ય વિમોચન આજે વેડછી ગાંધી વિદ્યાપીઠ ખાતે કરવામાં આવ્યું. મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના મેંઠા ગામના આદિવાસી લોકોના જંગલ, જમીન અને કુદરતી સંસાધનો પરના સામૂહિક અધિકાર માટેના લાંબા અહિંસક સંઘર્ષની વાત આ પુસ્તકમાં આલેખવામાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વિમોચન સમારોહમાં અશોકભાઈ ચૌધરી, અમરસિંહભાઈ ચૌધરી, પુસ્તકના ગુજરાતી અનુવાદક ડૉ. કિશોરભાઈ દેસાઈ તથા મૂળ લેખક મિલિંદ બોકિલ સહિત અનેક વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ જણાવ્યું કે આ પુસ્તક માત્ર એક ગામની વાર્તા નથી, પરંતુ ગ્રામ લોકશાહી, સ્વશાસન અને આદિવાસી અધિકારો માટેના અહિંસક આંદોલનનું જીવંત દસ્તાવેજ છે.

પુસ્તકમાં વર્ણવવામાં આવ્યું છે કે કેવી રીતે મેંઠા ગામના લોકોએ ગ્રામસભાની એકતા, લોકભાગીદારી અને અહિંસક પ્રતિકારના માર્ગે સામૂહિક વન અધિકાર મેળવીને સમગ્ર દેશને પ્રેરણા આપી છે. આ સંઘર્ષ ગ્રામ સ્વરાજ્યના મહાત્મા ગાંધીના સ્વપ્નને વાસ્તવિક બનાવવાનું ઉત્તમ ઉદાહરણ છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સામાજિક કાર્યકરો અને સાહિત્યપ્રેમીઓની મોટી સંખ્યા ઉપસ્થિત રહી હતી. ઉપસ્થિત સૌએ પુસ્તકના વિચારોને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here