કપરાડા: વિકાસના નામે જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારનો એક નવો કિસ્સો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સામે આવ્યો છે. અહીં પાંચવેરા અને કેલધા ફળિયા વિસ્તારમાં લાખો રૂપિયાના સરકારી ખર્ચે બનાવેલું નવું ગરનાળું (Culvert) ચોમાસાના પહેલા જ વરસાદમાં પત્તાના મહેલની જેમ ધોવાઈ ગયું છે.

આ ઘટનાથી સ્થાનિક આદિવાસી અને શ્રમિક પરિવારોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. બે ફળિયા વચ્ચે અવરજવર કરવાના એકમાત્ર માર્ગના ધોવાઈ જવાથી લોકોને રોજીંદા જીવન, નોકરી-ધંધા અને ખાસ કરીને મેડિકલ ઇમરજન્સીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેરગામના યુથ લીડર અને ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલે આ મામલે વલસાડ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, “આ કોઈ કુદરતી આપત્તિ નથી, પરંતુ નબળા મટિરિયલ, નિમ્ન કક્ષાના કામ અને વહીવટી લાપરવાહીનું પરિણામ છે. આ યોજનાબદ્ધ ભ્રષ્ટાચાર છે.”

ડો. પટેલે કલેક્ટર પાસે માંગણીઓ કરી છે:  દોષી કોન્ટ્રાક્ટર/એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવે અને તેમની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે, કામ પાસ કરનાર, સુપરવિઝન અને ક્વોલિટી ચેક કર્યા વગર બિલ મંજૂર કરનાર એન્જિનિયરો તથા અધિકારીઓ સામે કડક ખાતાકીય તેમજ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, યુદ્ધના ધોરણે વૈકલ્પિક રસ્તો બનાવી, ગરનાળાનું મજબૂત પુનઃનિર્માણ કરવામાં આવે, આવા કામોમાં ભ્રષ્ટાચાર રોકવા માટે રાજ્ય સ્તરે કડક નિયમો બનાવવામાં આવે, સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ (High-level Inquiry) કરવામાં આવે.

ડો. નિરવ પટેલે ચેતવણી આપી છે કે ચોમાસું હજુ શરૂ થયું છે અને જો તંત્ર સમયસર પગલાં નહીં લે તો મોટી જાનહાનિ થઈ શકે છે. તેમણે કહ્યું, “જનતા હવે પોકળ વિકાસ અને ભ્રષ્ટાચારને સહન કરવા તૈયાર નથી.” આ ઘટનાએ અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં સરકારી કામોની ગુણવત્તા અને ભ્રષ્ટાચારના મુદ્દે ફરી ચર્ચા જગાવી છે. જિલ્લા વહીવટી તંત્ર આ મામલે શું પગલાં લે છે તેના તરફ સ્થાનિકોની નજર છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here