ધરમપુર: વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ અને ધરમપુર પ્રશાસનની કથળેલી તૈયારી અને ઘોર બેદરકારીને કારણે ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામે એક દુખદ અકસ્માત સર્જાયો છે. હવામાન વિભાગના રેડ એલર્ટ છતાં સમયસર શાળાઓ બંધ ન કરવાના કારણે સ્કૂલ વેન ખાડીના ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતી, જેમાં વાન ચાલકે જીવ ગુમાવવું પડ્યું હતું.
7 જુલાઈ, 2026 ના રોજ સવારે આશરે 9: 45 થી 10:00 વાગ્યાની વચ્ચે મધરદેવી ફળિયા પાસે આ ઘટના બની હતી. હવામાન વિભાગે તા. 7 જુલાઈએ વલસાડ જિલ્લા માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. છતાં વલસાડ જિલ્લા વહીવટી તંત્રે મોડી સવારે જ શાળાઓમાં રજા જાહેર કરી, જ્યારે પાડોશી જિલ્લાઓ સુરત અને સેલવાસના કલેક્ટરોએ આગલા દિવસે જ આગોતરી રજા જાહેર કરી દીધી હતી. ખેરગામના યુથ લીડર અને છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઇ પટેલએ આ ઘટનાને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને તટસ્થ તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
ડો. પટેલે પત્રમાં જણાવ્યું છે કે, “ચોમાસામાં ધોધમાર વરસાદ પડે છે તેની સ્થાનિક તંત્રને પૂરી જાણ હોવા છતાં આવી બેદરકારી દાખવવી એ ગુનાહિત કૃત્ય સમાન છે. જો તંત્રે આગલા દિવસે સમયસર રજા જાહેર કરી હોત તો આ નિર્દોષ નાગરિકનો જીવ બચી શક્યો હોત.” તેમણે મુખ્યમંત્રી પાસે નીચેની માંગણીઓ કરી છે:
• ઘટનાની ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ કરાવવી.
• જવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાં.
• પીડિત પરિવારને તાત્કાલિક આર્થિક વળતર આપવું.
• ભવિષ્યમાં રેડ એલર્ટની સ્થિતિમાં શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને આગલી રાત સુધીમાં બંધ કરવાની કડક SOP (Standard Operating Procedure) જાહેર કરવી.
આ ઘટનાએ વલસાડ જિલ્લા વહીવટી તંત્રની તૈયારી અને આગાહી પ્રત્યેના વલણ પર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો પણ તંત્રની બેદરકારીની તીવ્ર નિંદા કરી રહ્યા છે.











