વલસાડ: વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની વધતી સંખ્યા અને અપૂરતા તપાસ સાધનો વચ્ચે ગરીબ અને આદિવાસી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના નિવારણ માટે તીઘરા ગામના સામાજિક આગેવાન મુકેશ પટેલે સરકાર સમક્ષ તાત્કાલિક રજૂઆત કરી છે.

વલસાડ સિવિલ હોસ્પિટલ માત્ર શહેરી વિસ્તારની નહીં, પરંતુ આખા વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારો, પાડોશી નવસારી જિલ્લા અને મહારાષ્ટ્રની સરહદ વિસ્તારમાંથી આવતા હજારો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓનું મુખ્ય આરોગ્ય કેન્દ્ર છે. હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ સારી કામગીરી કરી રહ્યા હોવા છતાં, એક્સ-રે અને સોનોગ્રાફી મશીનોની અછતને કારણે દર્દીઓને કલાકો અને ક્યારેક દિવસો સુધી વેઈટિંગમાં રાહ જોવી પડે છે.

મુકેશ પટેલે જણાવ્યું કે, “ગંભીર હાલતના દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓને પણ લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે. અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા ગરીબ આદિવાસી દર્દીઓને નંબર ન મળે તો ખાનગી લેબોરેટરીમાં મોંઘા ભાવે તપાસ કરાવવી પડે છે અથવા વલસાડમાં રાત્રિ રોકાઈને વધારાનો ખર્ચ કરવો પડે છે.” તેમણે રજૂઆતમાં નીચેની મુખ્ય માંગણીઓ કરી છે: વલસાડ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક વધારાના અદ્યતન એક્સ-રે મશીનો મંજૂર કરવામાં આવે. ગર્ભવતી મહિલાઓ અને ગંભીર દર્દીઓ માટે વધારાના સોનોગ્રાફી મશીનો અને તેના માટે સ્પેશિયાલિસ્ટ સ્ટાફની નિમણૂક કરવામાં આવે. દર્દીઓના ધસારાને ધ્યાનમાં રાખીને ટેસ્ટિંગ વિભાગનો સમય વધારવામાં આવે અથવા ૨૪ કલાક ઇમરજન્સી સેવા શરૂ કરવામાં આવે.

આ લોક રજૂઆતના પગલે હવે જોવાનું રહેશે કે સરકાર આ માંગણીઓને કેટલી તાત્કાલિકતાથી સ્વીકારે છે અને વલસાડ સિવિલ હોસ્પિટલને આધુનિક તપાસ સુવિધાઓથી સજ્જ કરે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here