હેમંત વસાવા ફોટોગ્રાફ્સ

દક્ષિણ ગુજરાત: ચોમાસાની શરૂઆત સાથે જ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની ભીની જમીન પર ચટક લાલ રંગના નાના જીવોની હાજરી જોવા મળી છે. આ જીવને લાલ વેલ્વેટ માઇટ (Red Velvet Mite) તરીકે ઓળખવામાં આવે છે. વરસાદ પછી ભેજવાળી જમીન પર આ જીવોની અવરજવર વધી જતી હોય છે, જે પ્રકૃતિના સંતુલનનું સુંદર સૂચક માનવામાં આવે છે.

વર્ષનો મોટાભાગનો સમય આ જીવ જમીનની અંદર વિતાવે છે અને વરસાદ પછી બહાર આવીને સક્રિય થાય છે. તે નાના જીવાતો અને તેમના ઈંડાંને ખાઈને કુદરતી રીતે જીવાતોનું નિયંત્રણ કરે છે અને જમીનની ફળદ્રુપતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નિષ્ણાતોના મતે આ જીવ મનુષ્ય માટે સામાન્ય રીતે હાનિકારક નથી અને તેને સ્વસ્થ જમીનના સૂચક તરીકે જોવામાં આવે છે.

સ્થાનિકોમાં આ નાના લાલ જીવને અલગ-अલગ પ્રાદેશિક નામોથી ઓળખવામાં આવે છે. જેમ કે – લાલપાડો, દેવુપાતારી, મામાની ગાય, મામો, મોતી, ઇન્દ્રગોપ, મામાની ગોઢલી, વરસાદની માસી, મેઘાનો મામો, લાલ મામા, ગોકુળ ગાય, પીરપોપટી, અજયમોતી, વેલવેટકીડો, વાણિયો, પ્રભુનો પોઠીયો, ડોશી, વરસાદનો મામો, મેના મામલીયા વગેરે. વર્ષાઋતુની શરૂઆતમાં આવા જીવોની હાજરી જોવા મળવી એ પર્યાવરણ સ્વસ્થ છે તેનું સારું સંકેત છે.

હેમંત વસાવા કહે છે કે આવા જીવોને મારવા કે તેમનું નુકસાન કરવાને બદલે તેમને તેમના કુદરતી વાતાવરણમાં જ રહેવા દેવા જોઈએ. આ વર્ષે ચોમાસું સારું રહે તેવી આશા સાથે ખેડૂતો અને પ્રકૃતિ પ્રેમીઓ આ નાના લાલ ‘મામા’નું સ્વાગત કરી રહ્યા છે.

BY: હેમંત વસાવા


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here